સુરતના લિંબાયતમાં લોહીયાળ ડ્રામાઃ 'તું મમતાને ડિવોર્સ કેમ નથી આપતો'- કહી પત્નીનો મિત્ર ચાકુ લઈને પતિ પર તૂટી પડ્યો

પતિ-પત્નીની વાતમાં તારે બોલવાની જરૂર નથી કહેતા ઉશ્કેરાયેલા યુવકે ખિસ્સામાંથી ચાકુ કાઢીને પતિ પર આડેધડ ઘા ઝીંકી દીધા. પતિની બૂમો સાંભળો લોકો એકઠા થતાં આરોપી ભાગ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 07 Mar 2026 10:33 PM (IST)Updated: Sat, 07 Mar 2026 10:33 PM (IST)
surat-news-man-attacked-with-knife-after-refusing-divorce-to-wife
HIGHLIGHTS
  • દંપતી વચ્ચે ખટરાગ થતાં પત્ની 7 મહિનાથી પિયર રહેતી હતી

Surat: શહેરના લીંબાયત વિસ્તારમાં પતિ-પત્નીના ડિવોર્સના ઝઘડામાં વચ્ચે પડેલા એક યુવક પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ભોગ બનનારો ઝઘડી રહેલી પત્નીનો મિત્ર હોવાનું તેમજ મારનારા પતિ હોવાનું સામે આવ્યું છે. હાલ તો ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતો અમોલ પાટીલ (33) માર્કેટમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આજથી 8 વર્ષ પહેલા મમતા ઉર્ફે કાજલ સાથે તેના લગ્ન થયા હતા. આ લગ્નજીવન થકી તેને 5 વર્ષનો પુત્ર છે.

જો કે પતિ-પત્ની વચ્ચે મતભેદ થતાં છેલ્લા 7 મહિનાથી મમતા પોતાના પિયર રહેવા જતી રહી હતી. ગત 4 માર્ચના રોજ ધુળેટીના દિવસે અમોલ પોતાના મિત્ર સાથે જઈ રહ્યો હતો, ત્યારે પત્નીએ તેને ઉભો રાખ્યો હતો. જે બાદ બન્ને વચ્ચે ડિવોર્સને લઈને માથાકૂટ થઈ હતી.

આ સમયે પત્નીનો મિત્ર સતિલાલ ઉર્ફે બુમલા પણ ત્યાં આવી પહોંચ્યો હતો. જે 'તું મમતા કો ડિવોર્સ ક્યુ નહીં દેતા' કહીને પતિ અમોલ સાથે જીભાજોડી કરવા લાગ્યો હતો. આથી અમોલે પતિ-પત્નીની વાતમાં તારે વચ્ચે બોલાવાની જરૂર નથી તેમ કહેતા સતીલાલે ગાંળો ભાંડી હતી. આથી અમોલે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા સતીલાલે પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢીને અમોલ પર હુમલો કરી દીધો હતો.

આ દરમિયાન અમોલે બૂમાબૂમ કરી મૂકતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જેથી સતીલાલ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જે બાદ ઈજાગ્રસ્ત અમોલને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલ તો અમોલની ફરિયાદના આધારે લિંબાયત પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.