Surat: ગઈકાલે રાતે કોસંબા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ મોટા બોરસરા ગામની સીમમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે હવસખોરોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. જ્યારે એક આરોપી હજુ ફરાર હોવાથી તેની શોધખોળ માટે તપાસમાં ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે રાતે પોણા 11ની આસપાસ 17 વર્ષીય સગીરા તેના મિત્ર સાથે મોટા બોરસરા ગામની સીમમાં આવેલ શેરડીના ખેતર નજીક સૂમસામ જગ્યાએ ઉભી હતી. આ સમયે ત્રણ અજાણ્યા ઈસમો ત્યાં આવી અહીં કેમ ઉભા છો? કહી મારમારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ભોગ બનનાર સગીરાના ગળામાં પહેરેલ ચેન તોડી તેમજ બંન્નેના મોબાઈલ ફોન લૂંટી લીધા હતા.આ દરમિયાન સગીરા ખેતર તરફ ભાગી ગઈ હતી. જેથી ત્રણેય નરાધમોએ પીછો કરીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતુ.
આ મામલે કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેથી ગુનાની ગંભીરતાને જોતા 200થી વધુ પોલીસ કર્મચારીઓની અલગ-અલગ 20 ટીમોએ તપાસમાં જોડાઈ હતી. આ માટે રાતના સમયે જ સ્નીફર ડોગ અને FSLની ટીમે ઘટના સ્થળે પુરાવા એકઠા કરવા બોલાવવામાં આવી હતી. જ્યાં ઘટના સ્થળથી થોડા દૂર શંકાસ્પદ હાલતમાં મોટર સાયકલ મળી આવી હતી. આ બાઈકના માલિકની ઊંડાણપૂર્વક તપાસ કરતાં પોલીસની ટીમ આરોપી સુધી પહોંચી હતી.
પોલીસને જોતા જ આરોપીઓએ ઝાડી-ઝાખરા વિસ્તારમાં ભાગવાનો કોશિષ કરી હતી. જો કે પોલીસની ટીમ દ્વારા ફાયરિંગ કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસના હાથે ઝડપાયેલા નરાધમોની ઓળખ મુન્ના પાસવાર (ઉં.વ. 40, રહે. કીમ, માંગરોળ, સુરત) અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયા (ઉં.વ.45, રહે. કરંજ, માંડવી, સુરત) તરીકે થઈ છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જે પૈકી શિવશંકર વિરુદ્ધ અમીરગઢ, અંકલેશ્વર અને કરજણ પોલીસ મથકમાં અલગ-અલગ ગુના નોંધાયા છે. જ્યારે અન્ય આરોપી મુન્ના પાસવાર વિરુદ્ધ પણ કોસંબા, કડોદરા GIDC, વરણામા, કરજણ અને અંકલેશ્વર રુરલ પોલીસ મથકમાં અલગ-અલગ ગુના નોંધાઈ ચૂક્યા છે.
