Surat News: ગુજરાત સરકાર દ્વારા પશુપાલન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પશુપાલકોને પ્રોત્સાહિત કરવા માટે 'શ્રેષ્ઠ પશુપાલક સન્માન સમારોહ ૨૦૨૫-૨૬' યોજાયો હતો. આ સમારોહમાં સુરત જિલ્લાના મહુવા તાલુકાના ડુંગરી ગામના પશુપાલક ખંડુભાઈ ગોપાલભાઈ પટેલને રાજ્યના દ્વિતીય ક્રમના 'શ્રેષ્ઠ પશુપાલક' તરીકે એવોર્ડ અને ₹51,000ના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. પશુપાલન રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના હસ્તે આ સન્માન એનાયત કરાયું હતું.
આ પણ વાંચો
શૂન્યમાંથી સર્જન: પિતાનો વારસો અને પુત્રની આધુનિક દ્રષ્ટિ
વર્ષ 1990માં ખંડુભાઈએ માત્ર 4 પશુઓથી પશુપાલનની શરૂઆત કરી હતી. પિતાના આ વ્યવસાયને તેમના પુત્ર હરિવદનભાઈ (પપ્પુભાઈ) એ પોતાની કોઠાસૂઝ અને આધુનિક મેનેજમેન્ટથી નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો છે. આજે તેમના ફાર્મમાં 120 જેટલા નાના-મોટા પશુઓ છે, જેમાં હરિયાણાની મુર્રાહ, કચ્છની બન્ની અને જાફરાબાદી જેવી ઉચ્ચ નસલની ભેંસોનો સમાવેશ થાય છે.
દૈનિક 600 લીટર દૂધ અને ઉચ્ચ ગુણવત્તા
હાલમાં તેમના ફાર્મમાં 85 દૂઝણી ભેંસો છે, જેમના થકી દરરોજ 600 લીટર અને માસિક અંદાજે 20 હજાર લીટર દૂધનું ઉત્પાદન થાય છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુઓના ઉછેરને કારણે દૂધમાં 7.5 થી 8.30 સુધીના ફેટ મળે છે. પપ્પુભાઈ માત્ર દૂધ વેચવાને બદલે તેનું મૂલ્યવર્ધન (Value Addition) પણ કરે છે.
'પ્રમુખ ડેરી' અને ગ્લોબલ એક્સપોર્ટ
પિતા-પુત્રની જોડીએ 'પ્રમુખ શ્રીખંડ' અને 'પ્રમુખ ડેરી' બ્રાન્ડ હેઠળ મૂલ્યવર્ધિત પેદાશોનું મોટું નેટવર્ક ઊભું કર્યું છે:
- વિવિધતા: તેઓ 18 પ્રકારના શ્રીખંડ અને 9 પ્રકારના મઠ્ઠા સહિત કુલ 27 વેરાયટીની બનાવટો વેચે છે.
- નિકાસ: તેમના ઉત્પાદનો માત્ર સુરત કે અમદાવાદ પૂરતા મર્યાદિત નથી, પરંતુ યુ.કે., યુ.એસ.એ. અને કેનેડા જેવા દેશોમાં પણ નિકાસ થાય છે.
- વાર્ષિક વેચાણ: તેઓ વર્ષે 35 હજાર કિલો જેટલા શ્રીખંડનું વેચાણ કરે છે.
હાઈટેક તબેલા અને વૈજ્ઞાનિક અભિગમ
ડુંગરી ગામનો આ તબલો કોઈ આધુનિક ફેક્ટરી જેવો સુવ્યવસ્થિત છે. અહીંની મુખ્ય વિશેષતાઓ:
- સ્વચ્છતા: માખી-મચ્છર મુક્ત વાતાવરણ અને ગોબર-મૂત્રના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ.
- ટેકનોલોજી: પશુઓ માટે પંખા, ઉનાળામાં વોટર સ્પ્રિંકલર અને રસીકરણની ચુસ્ત અમલવારી.
- બ્રીડિંગ: હરિયાણાથી સ્પેશિયલ સિમેન લાવીને ઉચ્ચ ઓલાદની પાડીઓ તૈયાર કરવામાં આવે છે. પપ્પુભાઈએ 'સેક્સ્ડ સોર્ટેડ સિમેન' પદ્ધતિ અપનાવી છે, જેથી ભવિષ્યમાં વધુ દૂધ આપતી માદા પશુઓ પ્રાપ્ત થાય.
જૈવિક ખાતર અને આર્થિક વ્યવસ્થાપન
પશુપાલન સાથે તેઓ પર્યાવરણનું પણ ધ્યાન રાખે છે. દર વર્ષે ભેંસોના ગોબરમાંથી 8 થી 10 હજાર બેગ જૈવિક ખાતર બનાવીને ખેડૂતોને વેચે છે. વ્યવસાયના વિસ્તરણ માટે તેમણે સુમુલ ડેરીના સહયોગથી બે કરોડની બેંક લોન પણ લીધી છે.
પશુપાલકો માટે સંદેશ
ખંડુભાઈ અને પપ્પુભાઈ જણાવે છે કે, પશુપાલન એ માત્ર દેખાદેખીનો વિષય નથી, પણ મહેનત અને નિયમિતતાનો વ્યવસાય છે. જો પશુઓને યોગ્ય આહાર, સમયસર રસીકરણ અને આધુનિક ટેકનોલોજીનો સાથ મળે, તો પશુપાલન ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાનું શ્રેષ્ઠ સાધન બની શકે છે.
