Surat: ઈન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ, તરકીબ જાણી પોલીસ પણ ચોંકી

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 09 Jul 2024 08:48 AM (IST)Updated: Tue, 09 Jul 2024 08:48 AM (IST)
surat-news-international-gold-smuggling-racket-exposed-police-shocked-to-know-the-tactics

Surat News: સુરત SOG પોલીસે ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે એક દંપતી સહીત 4 લોકોની ધરપકડ કરી છે. તેમજ 64.89 લાખનું 927 ગ્રામ સોનું જપ્ત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરત SOG પોલીસને એક ટોળકી વિષે માહિતી મળી હતી. જેમાં એક આ ટોળકી તેના કેરિયરોને દુબઈ ખાતે મોકલી ત્યાંના વેપારીઓ દ્વારા સોનાની અંદર કેમિકલ મિક્સ કરી સ્પ્રે છંટકાવ કરી તેને બેગની અંદર ચિપકાવી દેવામાં આવે છે. જેથી તે સોનાને એરપોર્ટ ઉપર ઈમિગ્રેશન સિક્યુરીટી ચેકિંગમાં ખબર ના પડે તે રીતે સોનાને દુબઈથી સુરત ખાતે દાણચોરી કરવામાં આવી રહી છે. જેમાં એક કપલ દુબઈ ખાતેથી સોનુ બેગમાં છુપાવી દાણચોરી કરી લાવેલ છે અને તે કપલ સોનાની ડીલેવરી આપવા જહાંગીરપુરા સાયણ હજીરા રોડ ખાતે હોટલમાં આવનાર છે.

જે બાતમીના આધારે પોલીસે મોડી રાતે વોચ ગોઠવી સોનાની ડીલેવરીના સમયે રેઇડ પાડી દુબઈથી સોનાની દાણચોરી કરી લાવેલા નઈમ મો. હનીફ સાલેહ [ઉ.29] તેની પત્ની ઉમેમા નઈમ સાલેહ [ઉ.25] ડીલેવરી લેવા આવનાર અબ્દુલ સમદ ફારુક બેમાત [ઉ.૩૩] તેમજ ફિરોઝ ઇબ્રાઈમ નૂરને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓ પાસે રહેલા ચાર ટ્રોલી બેગની ઝીણવટભરી રીતે ઝડતી કરતા ટ્રોલી બેગની સાઈડમાં રેક્જીનની નીચે સ્પ્રે વડે કેમિકલ મિક્સ કરીને છુપાવીને દુબઈથી લાવેલા સોનાના પાવડરનું વજન 927 ગ્રામ કિંમત 64.89 લાખ તેમજ અન્ય મુદામાલ મળી કુલ 76.14 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ એરપોર્ટ ઉપર ઈમિગ્રેશન સિક્યુરિટીમાં પકડાઈના જાય તે માટે અવનવા કીમીયાઓ અજમાવતા હોય છે. જેમાં અગાઉ તેઓ સોનાને પ્રથમ પાવડરરૂપમાં બનાવી તેમાં કેમિકલ મિક્ષ કરી લૂગદી સ્વરૂપમાં નાના-નાના પાઉચમાં ભરી તે પાઉચ શરીરમાં અન્ડરવિયરમાં તથા બુટના તળિયામાં મૂકી દાણચોરી કરતા હતા પરંતુ વર્ષ 2023માં સુરત SOG દ્વારા આવી રીતે દાણચોરી કરતા ચાર ઈસમોને ઝડપી પાડી 4 કરોડ 29 લાખ 48 હજારની સોનાની 7.158 કિ.ગ્રા. પેસ્ટ જપ્ત કરી હતી.

આ તકનીક ઉજાગર કરતા દાણચોરો નવો કીમિયો અપનાવ્યો હતો. જેમાં તેઓ સોનાની પેસ્ટ બનાવી તેમાં કેમિકલ મિક્સ કરી તે કેમિકલ યુક્ત સોનું લિક્વીડ ફોમમાં લાવી તેને ટ્રોલી બેગના બહારની સાઈડે આવેલા રેક્જીન તથા રબરની શીટની વચ્ચે સ્પ્રે કરી નવું લેયર [પડ] બનાવ્યું હતું. જે આધુનિક ઉપકરણ મેટલ ડિટેકટરમાં પણ ડિટેકટ ના થાય તેવી રીતે સોનું સંતાડી દાણચોરી કરવા લાગ્યા હતા. જે ટેકનીક પણ સુરત SOGએ શોધી કાઢી ફરી એકવાર સોનાની દાણચોરીના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓએ ભારત સરકારના કસ્ટમ વિભાગમાં એક્સાઇઝ ડ્યુટીના ભરી સરકારની આર્થિક નુકશાન પહોચાડવાનો ગુનો કર્યો છે. આ મામલે આરોપીઓ સામે જહાંગીરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે

પોલીસે આરોપીઓ પાસેથી ચાર ટ્રોલી બેગ, 64.89 લાખનું દુબઈ ખાતેથી સ્મગલિંગ કરેલા રેક્જીન કપડામાં કેમિકલથી સ્પ્રે લગાડેલું 927 ગ્રામ સોનું, 5 મોબાઈલ, બે પાસપોર્ટ, બૉર્ડિંગ પાસ, દુબઈ ખાતેથી સોનું ખરીદી કરેલ હોવાનું પ્રસ્થાપિત કરવા બનાવેલ બનાવટી બીલની બે નંગ નકલ, અને એક ફોરવ્હીલ મળી કુલ 76.14 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, આ આખું જે નેટવર્ક છે તેની એમ. ઓ. એવી હતી કે, આ લોકો બેગ ની અંદર રેકઝીનનું પડ છે તેની પાછળ બીજું પડ બનાવીને સોનાનું એક લેયર બનાવતા તેની ઉપર એક કેમિકલ આવે છે. જેનો સ્પ્રે કરી દેતા હતા એટલે કે મેટલ ડિટેકટરની અંદર આ સોનું ડિટેકટ ના થાય. ચોક્કસ બાતમી હોય તો જ આ સોનું પકડી શકાય બાકી આ સોનું પકડવાનો કોઈ ચાન્સીસ હતો નહીં, SOG પાસે ચોક્કસ બાતમી હતી એટલે આ સોનું પકડાઈ ગયું છે.

વધુમાં જણાવ્યું હતું કે, રેકઝીનની પાછળ જે પડ હોય છે તેને કાઢીને ગાળવામાં આવ્યું હતું. જેમાંથી સોનાનો જત્થો તૈયાર થતો હોય છે. નઈમ મો.હનીફ સાલેહ [ઉ.29] તેની પત્ની ઉમેમા નઈમ સાલેહ [ઉ.25] બંને પતિ-પત્ની કેરિયર તરીકે પકડાયા છે અને તેને લેવા મોકલનાર અબ્દુલ સમદ ફારુક બેમાત અને ડ્રાઈવર ફિરોઝ ઇબ્રાઈમ નુર ને ઝડપી પાડ્યા છે. કેરીયર તરીકે જે દંપતી પકડાયું છે તેને એક ટીપના 10થી 15 હજાર રૂપિયા મળતા હતા. મુખ્ય મુદ્દો એ છે કે ભારત અને દુબઈમાં એક કિલો સોનાએ 6થી 7 લાખ રૂપિયાનો ફર્ક હોય છે. જેથી આ ફર્ક માટે થઈને આ પ્રવુતિ ચાલતી હતી. વધુમાં જણાવ્યું હતું કે હાલ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવી આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.