Surat News: સુરતના ડુમસમાં રૂપિયા 2 હજાર કરોડની સરકારી જમીનકાંડ બિલ્ડરના નામે કરી આપનાર IAS આયુષ ઓકને ગુજરાત સરકારે સસ્પેન્ડ કર્યા છે. સુરત કલેક્ટર રહેલા IAS સામે આવી આકરી કાર્યવાહીથી બ્યુરોકેટ્સમાં ફફડાટ પ્રસર્યો છે. મહત્ત્વનું છે કે, ત્રણ વર્ષમાં ગુજરાત કેડરના 10 IAS સામે ભારત સરકારમાં ફરિયાદો થઈ છે.
સામાન્ય વહિવટ વિભાગ- GAD દ્વારા સોમવારની સાંજે વર્ષ 2011ની બેચના IAS આયુષ ઓકને બરતરફ કરતો આર્ડર પ્રસિદ્ધ કરાયો હતો. ઓર્ડરમાં આયુષ ઓકે સુરતમાં કલેક્ટર રહેતા મહેસૂલી જમીન બાબતે જે બેદરકારી દાખવી તેનાથી સરકારની તિજોરીને મોટુ નુકસાન થયું એમ સ્પષ્ટપણે લખ્યું છે. સામાન્યત ફરજમાં બેદરકારી એવા ઉલ્લેખથી થતા સસ્પેન્સનના ઓર્ડરમાં પહેલીવાર આવી નોંધ સાર્વજનિક સ્તરે થઈ છે.
વિતેલા ત્રણ વર્ષમાં ગુજરાત કેડરના 10 IAS સામે ભારત સરકારમાં ફરિયાદો થઈ છે. જેમાં સુરેન્દ્રનગરમાં જમીન અને હથિયાર લાયસન્સ કૌભાંડમાં જૂલાઈ-2022માં સસ્પેન્ડ થયેલા કંકાપતિ રાજેશ પણ વર્ષ 2011ની બેચના જ IAS છે. તેમના બેચમેટ આયુષ ઓક સાથે કુલ ત્રણ IASને સસ્પેન્ડ કરાયા છે. જેમાં નૈતિક અધઃપતનના આરોપસર પ્રમોટિવ IAS ડી.એસ. ગઢવીનો પણ સમાવેશ થાય છે. જો કે, આવા જ કિસ્સામાં સસ્પેન્શનના બે વર્ષ પછી ગૌરવ દહીયાને સેવામાં પુનઃસ્થાપિત કરી દેવાયા છે. આ સિવાય 23 ફેબ્રુઆરી-2022ના રોજ કૃષિ વ્યવસાય નીતિ કૌભાંડમાં સસ્પેન્ડ કરાયેલા IFS કે.એસ.રંધાવાને ચાર્જસિટ અપાયુ છે. IFS મહેશ સિંઘને વયનિવૃતિના દિવસે જ ચાર્જશીટ અપાયું હતું.