Surat: બારડોલીમાં પત્નીની નજર સામે પતિએ ઓઢણીનો ફંદો બનાવી ફાંસો ખાધો, બચાવવા ગયેલી પત્ની ઝાડ પરથી પટકાતા પગ ભાંગ્યો

ખેતરના શેઢે દંપતી પ્રેમથી વાતો કરી રહ્યું હતુ, ત્યારે પતિ 'મને ઘર બાંધવાનું ટેન્શન છે' કહી પત્નીની ઓઢણી લઈને આંબાના ઝાડ પર ચડી ગયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 18 Jan 2026 08:15 PM (IST)Updated: Sun, 18 Jan 2026 08:15 PM (IST)
surat-news-husband-commit-suicide-in-front-of-wife-eye-at-bardoli
AI Image
HIGHLIGHTS
  • ઈજાગ્રસ્ત પત્નીને પગમાં ફ્રેક્ચર, હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • બારડોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો

Surat: સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં પત્નીની નજર સામે જ પતિએ આપઘાત કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં માનસિક તણાવમાં હતાશ પતિએ પત્નીની ઓઢણી વડે ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ સમયે બચાવવા ગયેલી પત્ની પણ ઝાડ પરથી નીચે પટકાતા તેને પણ પગમાં ફ્રેક્ચર થયું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, બારડોલી તાલુકાના મઢી ગામમાં આવેલા કાંટી ફળિયામાં રહેતો અજય ચૌધરી (50) હિંદોલિયા ગામમાં આવેલી સોલાર કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરીને પત્ની નૂતન સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

ગત ગુરુવારે અજય ચૌધરી પત્ની નૂતનને લઈને કડોદ ખાતે દાંતની સારવાર માટે ગયા હતા. જ્યાંથી સાંજના સમયે પરત ફરતી વખતે સીંગોદ ગામની સીમમાં આંબાના ઝાડ નીચે બેસીને પતિ-પત્ની વાતો કરી રહ્યા હતા.

આ દરમિયાન અજય ચૌધરી 'મને ઘર બનાવવાનું ખૂબ ટેન્શન છે' કહી પત્નીની ઓઢણી લઈને આંબાના ઝાડ પર ચડી ગયો હતો. પતિ ઓઢણીથી ફંદો બનાવતો જોઈ પત્ની નૂતન પણ તેમને બચાવવા ઝાડ પર ચડી ગઈ હતી. જો કે પતિ સુધી પહોંચે તે પહેલા નૂતન નીચે પટકાઈ ગઈ હતી. એટલામાં અજય ચૌધરીએ ગળે ફાંસો ખાઈ લીધો હતો.

પતિને લટકતો જોઈને નીચે પડેલી નૂતને બૂમાબૂમ કરતાં આસપાસના લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ અજય ચૌધરીના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે કડોદ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત નૂતન ચૌધરીને સારવાર માટે હોસ્પિટલ મોકલતા તેમને પગમાં ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થયું છે. આ મામલે બારડોલી રુરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.