Junagadh: જૂનાગઢમાં 45 વર્ષની પુરુષનું અપહરણ કરીને તાંત્રિક વિધિના નામે તેના પર અમાનુષી જુલમ ગુજારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે.
આ મામલે પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ઉત્તરાયણના એક દિવસ પૂર્વે આરોપી સાગર ચૌહાણ ફરિયાદીના ઘરે આવ્યો હતો. સાગરે બાપાની વિધિ હોવાનું કહીને ફરિયાદીને બાઈક પર બેસાડીને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં આરોપીએ છરીની અણીએ ધમકાવીને કોઈ વસ્તુ સુંઘાડી દેતા ફરિયાદી બેભાન થઈ ગયા હતા.
આ પણ વાંચો
બીજા દિવસે જ્યારે તેઓ ભાનમાં આવ્યા હતા. આ સમયે તેઓ નિર્વસ્ત્ર હાલતમાં દુબળી પ્લોટ આરોગ્ય કેન્દ્ર પાછળ ઠાઠડી પર દોરડા વડે બાંધેલા હતા. આટલું જ નહીં, આરોપીએ અંધશ્રદ્ધામાં ફરિયાદીના માથાના વાળ નિર્દયતાથી ખેંચી નાંખ્યા હતા. તેમજ તેમના ગુપ્ત ભાગ પર ગરમ વસ્તુઓ વડે ડામ આપ્યા હતા.
બીજી તરફ પરિવારજનો શોધખોળ કરતાં ફરિયાદી મળી આવ્યા હતા. આથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં સ્વસ્થ થતાં ભોગ બનનારે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સાગર ચૌહાણની ધરપકડ કરી છે. જેના વિરુદ્ધ અપહરણ, હત્યાનો પ્રયાસ, ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
