Surat: ઓલપાડમાં સાડા 3 ઈંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ, કુડસદ ગામની દુકાનોમાં પાણી ફરી વળ્યા

સ્થાનિકોનો રોષ- 'હજુ તો વરસાદની શરૂઆત છે, આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે, ત્યારે લોકોની હાલત કફોડી થઈ જશે. વહીવટી તંત્ર તાકીદે પગલા લેવા જોઈએ'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 19 Jun 2025 04:41 PM (IST)Updated: Thu, 19 Jun 2025 04:41 PM (IST)
surat-news-heavy-rain-in-olpad-water-logging-in-kudsad-village
HIGHLIGHTS
  • અંકુર ગલી અને GIDCમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી

Surat: સુરત શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ઓલપાડના કુડસદ ગામે અંકુર ગલી વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

ચોમાસાની શરુઆત સાથે જ દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે. આજે વહેલી સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં સાડા 3 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ભારે વરસાદના પગલે ઓલપાડના ફૂડસદ ગામની અંકુર ગલી વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આટલું જ નહીં, અહીંની દુકાનોમાં પણ વરસાદી પાણી ફરી વળતા લોકો નુકસાનની ભીતિ સેવી રહ્યાં છે. આવી જ રીતે પહેલા વરસાદમાં GIDC વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં કામદારોને પણ હાલાકી પડી રહી છે.

આ મામલે સ્થાનિક ચંદ્રેશ પટેલે જણાવ્યું કે, હજુ તો વરસાદની શરુઆત છે અને સામાન્ય વરસાદ જ પડ્યો છે. આવનારા સમયમાં વધારે વરસાદ પડશે. જો અત્યારે જ આવી સ્થિતિ છે, તો વધારે વરસાદ પડે ત્યારે લોકોની હાલત કફોડી થઈ જશે. સામાન્ય વરસાદમાં ગાડીઓની અવર-જવર માટે રસ્તો બંધ થઈ જાય છે. આ સંદર્ભે વહીવટી તંત્રએ તાકીદે કોઈ પગલા લેવા જોઈએ.