Surat News: સુરતમાં ગતરોજ ભારે વરસાદ પડ્યો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે સુરતના વરાછા ખાંડ બજાર પાસે આવેલા પોદાર આર્કેડમાં આખેઆખા બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. જેને લઈને વેપારીઓને ભારે નુકસાન થયું છે. વેપારીઓના જણાવ્યા મુજબ અંદાજીત 100 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે અને પોદાર આર્કેડમાં પાણી ભરાવવાના કારણે ૧૦૦ કરોડ જેટલા નુકસાનીનો અંદાજ છે. તેમજ વરાછા રોડ પર આવેલા યશ પ્લાઝામાં પણ પાણી ભરાઇ જતાં નુકસાની થતાં વેપારીઓમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે.
પોદાર માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓને કરોડોનું નુકસાન
સુરતના વરાછા ખાંડ બજાર પાસે આવેલા પોદાર આર્કેડમાં પાણી ભરાયા છે. જેના પગલે વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યું છે. વેપારી સંદીપભાઈએ જણાવ્યું હતું કે મારી પોદાર આર્કેડમાં મોબાઈલ બાજાર નામથી દુકાન છે. મારી દુકાનમાં 4 ફૂટ સુધીનું પાણી ભરેલું હતું અને નીચે બેઝમેન્ટ આખું ડૂબી ગયું છે. સમગ્ર પોદારની નુકસાનીની વાત કરીએ તો 100 કરોડ આસપાસ છે. મારી પોતાની દુકાનમાં 30 થી 40 લાખ રુપિયાની નુકસાની છે. અહિયાં 200 થી 250 જેટલી દુકાનો છે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેટ્રોના કારણે આ વસ્તુ બની છે. મેટ્રોના લીધે જે અહિયાં પતરા માર્યા છે તેના કારણે પાણી આ બાજુ આવી ગયું છે અહિયાં હાલ એક મશીન મુક્યું છે તો એક મશીનમાં ક્યારે પાણી નીકળી રહેશે.

કૌશલ ધામેચાએ જણાવ્યું હતું કે ગતરોજ પાણીનો એટલો ફલો હતો કે ૩૦ મિનીટની અંદર ગ્રાઉન્ડ ફ્લોર આખો ભરાઈ ગયો હતો, ગ્રાઉન્ડ ફ્લોરમાં જે લોકોની દુકાનો હતી તેમને બહુ નુકસાની થઇ છે તે લોકોને તો સમાન હટાવવાનો મોકો પણ મળ્યો નથી, અમારી દુકાનમાંથી જેટલો શક્ય હતો એટલો તમામ સમાન હટાવી દીધો હતો તો પણ 50 ટકા જેટલા સ્ટોક નુકસાની છે અને અંદાજીત પોદાર આર્કેડની નુકસાની ૧૦૦ કરોડની આસપાસ છે. અહિયાં અંદાજીત 100 દુકાનો પાણીમાં ગરકાવ થઇ ગયી હતી. અમારી સૌથી પહેલી અપેક્ષા એ છે કે મનપા સૌથી પહેલા આ પાણી બહાર કાઢે.

યશ પ્લાઝામાં પાણી ભરાઈ જતા વેપારીઓને મોટું નુકસાન, વેપારીઓમાં રોષ
સુરતમાં ગતરોજ ભારે વરસાદના કારણે વરાછા રોડ પર આવેલા યશ પ્લાઝામાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.અહી કોમ્પ્યૂટર,લેપટોપ, સીસીટીવીની અનેક દુકાનો આવેલી છે અને દુકાનોમાં પાણી ભરાઈ જતા તમામ માલ નસ્ટ થઇ ગયો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.

સુરતમાં ગતરોજ પડેલા ભારે વરસાદના કારણે વરાછા ગીતાંજલિ પાસે આવેલા યશ પ્લાઝામાં પાણી ભરાઈ ગયા હતા. આ પાણી લોકોની દુકાનમાં પણ પ્રવેશી ગયા હતા. અહી કોમ્યુટર, લેપટોપ, સીસીટીવીની અનેક દુકાનો આવેલી છે. અને દુકાનોમાં પાણી ભરાઈ જતા તમામ માલ નસ્ટ થઇ ગયો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. વેપારીઓએ આ મામલે મનપા અને સીટકોનાના અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. રોષે ભરાયેલા વેપારીઓએ યશ પ્લાઝાની બહાર એકઠા થઈને મનપા સહીત તંત્ર સામે સુત્રોચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.

વેપારી મહેશભાઈ ગઢિયાએ જણાવ્યું હતું કે સુરત મનપા અને સીટકોના અધિકારીઓના હિસાબે આજે અમારા સુરત શહેરના નાના મોટા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અને મારા હિસાબે આ નુકસાન પાછળ ફક્ત ને ફક્ત સુરત મનપાના અધિકારીઓ છે. અહિયાં યશ પ્લાઝા પાસે બ્રીજ નિર્માણનું કામ ચાલે છે છેલ્લા 6 મહિનાથી મૌખિક રજૂઆત કરી છે. તે અધિકારીઓ અહિયાં આવે પણ અમે ઉગ્ર રજૂઆત કરીએ તો તેઓ પોલીસને બોલાવી લેતા હતા.

વેપારીઓએ જણાવ્યું હતું કે, અમને વાતોમાં લઈને મનપા સીટકોને કહે, સીટકો મનપાને કહે અને આજે એ લોકોની ગંભીર બેદરકારીના કારણે યશ પ્લાઝા કોમ્પ્લેક્સ કે જ્યાં કોમ્પ્યુટર, સીસીટીવીની દુકાનો આવેલી છે ત્યાં મોટા પ્રમાણમાં હોલસેલરો છે તે લોકોનો માલ 100 ટકા નસ્ટ થઈ ગયો છે. જે રીતે ડેમ તૂટે અને પાણી આવે એવું 15થી 20 મીનીટમાં સંપૂર્ણ યશ પ્લાઝા જળબંબાકાર થઇ ગયો છે. વરસાદી ડ્રેનેજ વોટરની લાઈનમાં ભંગાણના કારણે આ થયું છે. અમારા યશ પ્લાઝામાં કદાચ 1 કલાકમાં 20 ઇંચ વરસાદ પડે તો પણ પાણી ન આવે, વરસાદી ગટર લાઈન આ લોકોએ ચાલુ રાખી હોતે તો આ સ્થિતિ ન સર્જાતે અને બ્રીજ નિર્માણના કારણે આજે પણ તે ગટરો સીલ કરેલી છે.
