Surat News: દિવાળી-છઠ્ઠ પૂજાએ ઉધના સ્ટેશન પર વધશે ભીડ, સુરત જીઆરપીએ વધારાના 250 જવાનો માંગ્યા

હાલમાં ઉધના સ્ટેશન પર માત્ર 67 જવાનોનો કાફલો જ તહેનાત છે, જે તહેવારો દરમિયાન ઉમટી પડનારા લાખો મુસાફરોની સુરક્ષા માટે અપૂરતો સાબિત થઈ શકે તેમ છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 15 Oct 2026 03:39 PM (IST)Updated: Thu, 15 Oct 2026 03:39 PM (IST)
surat-news-grp-seeks-250-additional-police-personnel-for-udhna-station-ahead-of-diwali

Surat News: દિવાળી અને છઠ્ઠ પૂજા જેવા તહેવારો નજીક આવતાની સાથે જ સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જવા માટે મુસાફરોની ભારે ભીડ જામવા લાગી છે. આગામી 25 ઓક્ટોબરથી પરપ્રાંતીય મુસાફરોની સંખ્યામાં મોટો ઉછાળો આવવાની પૂરી સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન અને રેલવે પોલીસ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સ્ટેશન પર કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી સુરત GRP દ્વારા વડોદરા રેલવે હેડકવાર્ટર પાસે વધુ 250 પોલીસકર્મીઓનો કાફલો ફાળવવા તાકીદ કરાઈ છે.

વધતી જતી ભીડને નિયંત્રિત કરવા માટે સુરત રેલવે પોલીસે વડોદરા હેડક્વાર્ટર પાસે વધારાના 250 પોલીસકર્મીઓ ફાળવવાની માંગણી કરી છે. હાલમાં ઉધના સ્ટેશન પર માત્ર 67 જવાનોનો કાફલો જ તહેનાત છે, જે તહેવારો દરમિયાન ઉમટી પડનારા લાખો મુસાફરોની સુરક્ષા માટે અપૂરતો સાબિત થઈ શકે તેમ છે. સ્ટેશનના એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ્સ અને પ્લેટફોર્મ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માટે આ વધારાનો સ્ટાફ અત્યંત જરૂરી છે, જોકે હેડક્વાર્ટર તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી નથી.

મુસાફરોની સુરક્ષા વ્યવસ્થાની જાત-તપાસ કરવા માટે પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના ડીઆરએમ પંકજ સિંહે બુધવારે ઉધના સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સ્ટેશન પર ઊભા કરાયેલા હોલ્ડિંગ એરિયા અને બેરિકેડિંગની કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આ વ્યવસ્થા હેઠળ ટ્રેન પ્લેટફોર્મ પર આવે તે પહેલાં મુસાફરોને હોલ્ડિંગ એરિયામાં ક્રમબદ્ધ બેસાડવામાં આવશે, જેથી પ્લેટફોર્મ પર નાસભાગ કે અરાજકતા જેવી સ્થિતિ ન સર્જાય.

નિયમિત ટ્રેનોમાં લાંબી વેઇટિંગ લિસ્ટ અને મુસાફરોની વાસ્તવિક સંખ્યાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવા માટે પણ ડીઆરએમ દ્વારા સૂચના આપવામાં આવી છે. વતન જતા શ્રમિકોને કોઈ મુશ્કેલી ન પડે અને નિયમિત ટ્રેનો પરનું ભારણ ઘટે તે માટે વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. હવે આગામી પચીસ ઓક્ટોબરથી ઉમટનારા પ્રવાસીઓના પ્રવાહ સામે રેલવે અને પોલીસ તંત્રનું આ પ્લાનિંગ કેટલું સફળ સાબિત થાય છે તે સમય જ બતાવશે.