સુરત સિવિલમાં સર્જાયા કરૂણ દ્રશ્યોઃ 7 વર્ષના પુત્રને ગુમાવનાર પિતા આઘાતમાં સરી પડ્યા; મૃતદેહને ખભે ઉંચકી દોટ મૂકતા સ્ટાફમાં દોડધામ

પુત્રની ખેંચની બીમારીને પગલે તબિયત લથડતાં પિતા સારવાર માટે સિવિલ લઈ આવ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કરતાં પિતા સુધબુધ ગુમાવી બેઠા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 23 Jan 2026 07:15 PM (IST)Updated: Fri, 23 Jan 2026 07:15 PM (IST)
surat-news-grieving-father-carries-7-year-old-sons-body-on-shoulders-at-civil-hospital
HIGHLIGHTS
  • સિવિલના ગેટ પાસે સિક્યુરિટી સ્ટાફ સહિતના અધિકારીઓએ પિતાને અટકાવ્યા
  • કાયદાકીય રીતે પોસ્ટમોર્ટમ જરૂરી હોવાનું સમજાવતા પિતા ફરી ટ્રોમા સેન્ટર પહોંચ્યા

Surat: સુરતની સિવિલ હોસ્પિટલમાં આજે હ્રદયને હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. જેમાં બીમારીના કારણે 7 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતુ. પુત્રના મોતથી પિતા આઘાતમાં સરી પડ્યા હતા. જેઓ પુત્રના મૃતદેહને ખભા પર ઉંચકીને સિવિલ હોસ્પિટલના ગેટ સુધી પહોંચી ગયા હતા. જો કે સિક્યુરિટી સહિતના લોકોએ પિતાને સમજાવ્યા બાદ પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવા સહમત થયા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ બિહારના વતની સરોજ મંડલ હાલ સુરતના ભટાર વિસ્તારમાં આવેલ ખોડિયારનગરમાં રહીને મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સરોજ મંડલના 3 સંતાનો પૈકી 7 વર્ષના પુત્ર કિશનને ખેંચની બીમારી હતી. ગઈકાલે રાતના સમયે અચાનક કિશનની તબિયત લથડી હતી.

જેથી સરોજ મંડલ પુત્ર કિશનને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ કિશનને મૃત જાહેર કરતાં પિતા આઘાતમાં સરી પડ્યા હતા. સરોજ મંડલે કંઈ સૂઝના પડતા પુત્રના મૃતદેહને ખભે મૂકીને ચાલતી પકડી હતી. જેને પગલે સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.

પુત્રના મૃતદેહ સાથે સિવિલ હોસ્પિટલના ગેટ સુધી પહોંચી ગયેલા સરોજ મંડલને સિક્યુરિટી સ્ટાફ સહિત અન્ય અધિકારીઓએ અટકાવીને સમજાવ્યા હતા. પુત્રના વિરહમાં પિતા એટલા આઘાતમાં સરી પડ્યા હતા કે, તેમને કંઈ જ સુઝતુ નહતું. આખરે સ્ટાફે તેમને કાયદાકીય રીતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવું જરૂરી હોવાનું સમજાવ્યું હતુ. જે બાદ સરોજ મંડલ પુત્રના મૃતદેહને લઈને ટ્રોમા સેન્ટર લઆવ્યા હતા. જ્યાં જરૂરી કાગળિયા કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.