સુરત ક્રાઈમ બ્રાન્ચ અને SOGનું સંયુક્ત ઑપરેશન, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે પૂર્વ એરહોસ્ટેસ અને પેડલરની ધરપકડ

સુરત ક્રાઈમ બ્રાંચ અને SOGએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી પૂર્વ એરહોસ્ટેસ માનસી સૈયદ અને સોહેલ સુલેમાનને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપ્યા. પોલીસે 29.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરી, જેમાં માનસી બાળકોના ડાયપરમાં ડ્રગ્સ છુપાવતી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 24 Aug 2026 07:59 PM (IST)Updated: Mon, 24 Aug 2026 07:59 PM (IST)
surat-news-former-air-hostess-caught-in-drug-bust-by-surat-crime-branch-and-sog

Surat News: સુરત શહેર ક્રાઈમ બ્રાંચ અને સુરત જિલ્લા SOG પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પલસાણા તાલુકાના એના ગામ પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી મહિલા સાથે એક ઇસમને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. જેમની પાસેથી પોલીસે 30 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ તથા સુરત ગ્રામ્ય SOG પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી પલસાણા તાલુકાના એના ગામ ટોલનાકા પાસે મુંબઈ જતા રોડ ઉપરથી મહારાષ્ટ્ર પુણે જિલ્લાની વતની માનસી અબ્દુલ સૈયદ (41) તથા સોહેલ સુલેમાન (20)ને ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી 29,32,830 રૂપિયાની કિંમતનું 977.61 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 4670 રોકડા રૂપિયા, 2 મોબાઈલ ફોન તેમજ પ્લાસ્ટિકની થેલી, જીપબેગ સહીત કુલ 29.87 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ આરોપીઓ વિરુદ્ધમાં પલસાણા પોલીસ મથકમાં NDPS એક્ટની સંલગ્ન કલમ હેઠળનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ મુંબઈથી કાર લઈને વડોદરા રેલ્વે સ્ટેશન આવ્યા હતા. જ્યાં એક મહિલાએ આ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપી ગઈ હતી અને પોતે આ ડ્રગ્સનો જથ્થો મુંબઈ ખાતે લઇ જઈ અલગ અલગ ડ્રગ્સ પેડલરોને સપ્લાય કરવાના હતા. વધુમાં પકડાયેલી મહિલા માનસી વર્ષ 2015થી ડ્રગ્સનું સેવન કરતી હતી અને ત્યારબાદ સમયાંતરે આ ધંધા સાથે જોડાયેલી હતી.

એર હોસ્ટેસ રહેલી માનસી બાળકોના ડાયપરમાં છૂપાવીને ડ્રગ્સ સપ્લાય કરતી હતી

પકડાયેલી આરોપી માનસી અબ્દુલ સૈયદ અગાઉ વર્ષ 2021માં ઇન્દોર ક્રાઈમ બ્રાંચના હાથે 100 ગ્રામ જેટલા મેફેડ્રોન ડ્રગ્સમાં ઝડપાઈ હતી અને તે કેસમાં ચારેક વર્ષની જેલ કાપી છે. આ કેસમાં આરોપી માનસી અલગ અલગ પાર્ટીમાં બે વર્ષ સુધી ડ્રગ્સ સપ્લાય કરતી હોવાનું ખુલવા પામ્યું છે. તેમજ માનસી છોકરાઓના ડાયપરમાં એમડી ડ્રગ્સ છુપાવીને સપ્લાય કરતી હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતું

વધુમાં માનસીના પિતા અગાઉ એર ઇન્ડિયા ખાતે સીનિયર ટેક્નીશીયન તરીકે કામ કરતા હોય તેનો ઉછેર તથા અભ્યાસ મુંબઈ ખાતે થયો છે અને પોતે ધો.10 સુધીનો અભ્યાસ કર્યો છે અને એર ઇન્ડિયા કોલોની મુંબઈ ખાતે તેના પિતા રીટાયર્ડ થયા ત્યાં સુધી વર્ષ 2016 સુધી રહી છે. તે અગાઉ હરિયાણા, પંજાબ અને દિલ્હી ખાતે સ્ટેજ શો આર્ટીસ્ટ સાથે કામ કર્યું છે અને બેંગ્લોર ખાતે પણ આઠ વર્ષ જેટલું રહી છે.

માનસી ક્લાસિકલ ડાન્સ જાણે છે અને અગાઉ પોતે દુબઈ, સિંગાપોર, મસ્કત, બહેરીન ખાતે વિઝીટ કરી છે અને તેણે કબુલાત કરી હતી કે તે અગાઉ મલેશિયન એરલાઈન્સમાં એર હોસ્ટેસ તરીકે પણ કામ કર્યું છે અને હાલ એમ્બ્રોડરીના ધંધા સાથે સંકળાયેલી હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.