સુરતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાઃ પૂણાગામ અને વરાછાની બે ડેરીમાંથી 143 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કર્યો

પૂણાગામની અમૃતધારા ડેરી અને વરાછાની જનતા ડેરીમાં ચેકિંગના અંતે શંકાસ્પદ માખણ જપ્ત કર્યું. જેના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા, રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 02 Dec 2025 05:04 PM (IST)Updated: Tue, 02 Dec 2025 05:04 PM (IST)
surat-news-food-dept-and-sog-raid-on-amrutdhara-and-janta-dairy-seized-143-kg-butter
HIGHLIGHTS
  • મનપાના ફૂડ વિભાગ અને SOGનું સંયુક્ત ઑપરેશન

Surat: સુરત શહેરમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં અટકાવવા માટે SOG પોલીસ અને ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત પૂણા ગામ અને વરાછા વિસ્તારમાં આવેલી બે અલગ-અલગ ડેરીઓ પર સંયુક્ત તપાસ હાથ ધરીને કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

આ માખણ ભેળસેળયુક્ત હોવાની કે અખાદ્ય હોવાની આશંકાના પગલે ફૂડ વિભાગે તેના સેમ્પલ લઈને લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલી આપ્યા છે. લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

SOG પોલીસ અને મનપાના ફૂડ વિભાગની ટીમ દ્વારા પૂણાગામ વિસ્તારમાં આવેલી અયોધ્યાનગર સોસાયટી ખાતેની અમૃતધારા ડેરી પર ચેકિંગ હાથ ધર્યું હતુ, જ્યાં તપાસ દરમિયાન ડેરીમાંથી રૂ. 11,600ની કિંમતનો 58 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવ્યો હતો, જે તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યો હતો.

જે બાદ આજ ટીમ દ્વારા વરાછાના એલએચ રોડ પર બોમ્બે કોલોની વિસ્તારમાં આવેલી જનતા ડેરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાંથી રૂ. 17,000ની કિંમતનો 85 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવ્યો હતો. આમ બંને ડેરીઓમાંથી કુલ રૂ. 28,600ની કિંમતનું 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણ સીલ કરવામાં આવ્યું છે.

ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા જપ્ત કરાયેલા કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણના જથ્થાને સીલ કરી દેવામાં આવ્યો છે. આ માખણ ખરેખર ભેળસેળવાળું છે કે નહીં, તે જાણવા માટે બંને જગ્યાએથી આવશ્યક નમૂનાઓ લેવામાં આવ્યા છે અને તેમને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે.

ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો રિપોર્ટમાં આ માખણ ભેળસેળયુક્ત અથવા અખાદ્ય હોવાનું સાબિત થશે, તો સંચાલકો સામે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.