Vadodara: વડોદરા શહેરના જૂના પાદરા રોડ પરની એક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચેની મસ્તીમાં એકને આંખમાં ઑપરેશન કરાવવાની ફરજ પડી છે. જેમાં ક્લાસરૂમમાં એક વિદ્યાર્થીએ મસ્તીમાં ફેંકેલી પેન બીજા વિદ્યાર્થીની આંખમાં વાગી ગઈ હતી. આ ઘટનાના પગલે રોષે ભરાયેલા વાલીએ સ્કૂલ સંચાલકોની બેદરકારીનો આક્ષેપ કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, જૂના પાદરા રોડ પરની GEB સ્કૂલના ક્લાસરૂમમાં શિક્ષક વિદ્યાર્થીઓનું હોમ વર્ક ચેક કરી રહ્યા હતા. આ સમયે કેટલાક વિદ્યાર્થીઓ મસ્તી કરતાં હતા. આ દરમિયાન એક વિદ્યાર્થીએ ફેંકેલી પેન બીજા વિદ્યાર્થીની આંખમાં વાગી ગઈ હતી.
આ પણ વાંચો
જે બાદ સ્કૂલ સત્તાધીશો દ્વારા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીને જાણ કરીને સ્કૂલમાં બોલાવવામાં આવ્યા હતા. જે બાદ વાલી પોતાના દીકરાને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેની આંખનું ઑપરેશન કરવામાં આવ્યું હતુ.
આ મામલે રોષે ભરાયેલા વાલીએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, ક્લાસરૂમમાં શિક્ષકની હાજરીમાં વિદ્યાર્થીઓ મસ્તી કરી રહ્યા હતા, ત્યારે મારા દીકરાને વાગ્યું હતુ. જો કે સ્કૂલ સત્તાધીશો મારા દીકરાને હોસ્પિટલ લઈ જવાના બદલે મને ફોન કરીને બોલાવ્યો, ત્યાં સુધી રાહ જોઈને બેસી રહ્યા હતા. આ સ્કૂલ સત્તાધીશોની સ્પષ્ટ બેદરકારી દર્શાવે છે.
બીજી તરફ સ્કૂલના આચાર્યાએ આ સમગ્ર ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા જણાવ્યું કે, ક્લાસરૂમમાં શિક્ષક હોમવર્ક ચકાસી રહ્યા હતા. આ સમયે આગળની બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીએ નીચે પડેલી પેન ઉઠાવીને પાછળ ફેંકતા તે બીજા વિદ્યાર્થીની આંખમાં વાગી હતી.
અમારી સ્કૂલ દ્વરા બાળકો શિસ્ત જાળવે તેની પુરતી કાળજી લેવામાં આવે છે. રીસેસ સમયે પણ વિદ્યાર્થીઓ પર નજર રાખવા માટે લોબી અને મેદાનમાં શિક્ષકોને તૈનાત કરવામાં આવે છે.
