Surat: સુરતની લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે. એટલે કે ગુજરાતની 26 પૈકી સુરત બેઠક પર મતદાન પૂર્વે જ ભાજપની જીત થઈ ચૂકી છે. ભાજપ ઉમેદવાર મુકેશ દલાલે સુરત લોકસભા બેઠક પર ખીલેલું પ્રથમ કમળ વડાપ્રધાન મોદી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સમર્પિત કર્યું છે. આ સાથે જ તેમણે વિપક્ષના લોકશાહીના હત્યાના આરોપ પર પલટવાર કર્યો છે.
સુરતની લોકસભા બેઠક બિનહરીફ થઇ છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર થયા છે સુરત કલેકટર દ્વારા સતાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. બિન હરીફ થયા બાદ મુકેશ દલાલે કહ્યું કે પોતાની ધરણા મુજબ જો કામ થાય તો લોકતંત્ર સારું લાગે છે અને જયારે પોતાની ધારણા મુજબ કામ ના થાય તો લોકતંત્રની હત્યા દેખાય છે
હકીકતમાં સુરતની લોકસભા બેઠક પર છેલ્લા 24 કલાકથી રાજકીય ડ્રામા સર્જાયો હતો. જેમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં ટેકેદારોએ પોતાની સહી સામે વાંધો ઉઠાવ્યો હતો. આ મામલે કોંગ્રેસ ઉમેદવારને ટેકેદારો સાથે હાજર થવાનું કહેવામાં આવ્યું હતુ, પરંતુ નિલેશ કુંભાણી નિષ્ફળ રહેતા તેમની ઉમેદવારી ગઈકાલે રદ્દ કરવામાં આવી હતી.
જે બાદ આજે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ હતી, ત્યારે અપક્ષો સહિત અન્ય પાર્ટીના ઉમેદવારોએ પોતાની દાવેદારી પરત ખેંચી લીધી હતી. જેના પગલે સુરતની લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. આમ ગુજરાત લોકસભાની ચૂંટણીમાં લડ્યા વિના જ ભાજપના ઉમેદવારનો વિજય થઈ ચૂક્યો છે. આજે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સૌરભ પારધીએ સત્તાવાર જાહેરાત કરીને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપી દીધુ છે.
જે બાદ મીડિયા સાથેની વાતચીતમાં મુકેશ દલાલે પોતાની જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, સુરતમાંથી જે પ્રથમ કમળ ખીલ્યું છે, તે હું તેમના ચરણોમાં અર્પણ કરું છું.
વિપક્ષ દ્વારા લોકતંત્રની હત્યા અંગેના આરોપ પર જવાબ આપતાં મુકેશ દલાલે જણાવ્યું કે, વિપક્ષની આ વાત જૂની થઈ ગઈ. મારો વિજય લોકશાહી ઢબે થયો છે. જો પોતાની ધારણા મુજબ કામ થાય, ત્યારે લોકતંત્ર સારું લાગે. જ્યારે પોતાની ધારણા મુજબ કામ ના થાય, ત્યારે તેમને લોકતંત્રની હત્યા દેખાય છે.
