Surat News: સુરતના પાલ ગૌરવપથ રોડ પર આવેલા મનપામાં ખુલ્લા પ્લોટમાં ગાર્ડનના વેસ્ટેડ કચરામાં ગતરાત્રીના સમયે આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. જો કે અંદાજીત 18 થી 20 કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
મળતી માહિતી મુજબ, સુરતના પાલ ગૌરવપથ રોડ પર મનપાનો ખુલ્લો પ્લોટ આવેલો છે અહી પ્લોટમાં મહાનગરપાલિકા દ્વારા ગાર્ડનનો વેસ્ટેડ કચરો અને સૂકા પાંદડા ઠલવવામાં આવતા હતા. ગત રાત્રીના 8.30 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.
કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ સવારના સમયે ફરી આગ ભભૂકી ઉઠી હતી. જેથી ફરી ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવવા સાથે કુલીંગની કામગીરી હાથ ધરી હતી. અંદાજીત 18 થી 20 કલાકે પરિસ્થિતિ કાબુમાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા સુરત મહાનગરપાલિકાના જેસીબી મશીનની મદદ પણ લેવામાં આવી હતી જેથી કચરો ખસેડીને અંદર લાગેલી આગ પર પાણી છાંટી શકાય અને કુલિંગની કામગીરી પૂર્ણ કરી શકાય.
ફાયર ઓફિસર ગીરીશ સેલરએ જણાવ્યું હતું કે રાતે 8.30 વાગ્યે ફાયર વિભાગને આગ અંગેનો કોલ મળ્યો હતો, જેથી પહેલા પાલનપુર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી પરંતુ આગ વધુ હોવાથી અડાજણ, મોરા ભાગળ અને જહાંગીરપુરા ફાયર સ્ટેશનથી ગાડીઓ આવીને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત મનપાના જેસીબી મશીનની પણ મદદ લેવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતું કે આગ પર કાબુ મેળવતા18 થી 20 કલાક જેટલો સમય લાગ્યો હતો, આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
