સુરતના લિંબાયતમાં ડબલ મર્ડરઃ મિલકત અને ભાડાની તકરારમાં મોટા દીકરાએ માતા અને નાના ભાઇની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી

સવારે આશરે 7:30 વાગ્યાની આસપાસ મોટો દીકરો શ્રીનિવાસ આવેશમાં આવીને માતા અને નાના ભાઈના ઘેર પહોંચ્યો હતો અને તીક્ષ્ણ ચપ્પુ વડે પોતાની સગી માતા મલેશ્વરીબેન અને નાના ભાઈ પર ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 18 Oct 2026 10:59 AM (IST)Updated: Sun, 18 Oct 2026 11:37 AM (IST)
surat-news-elder-son-allegedly-kills-mother-and-younger-brother-in-limbayat

Limbayat Murder Case: સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં આજે સવારે એક હૃદયદ્રાવક અને સનસનાટીભરી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. મૂળ તેલંગાણાના અને હાલ સુરતમાં સ્થાયી થયેલા તેલુગુ સમાજના પરિવારમાં મિલકત અને દુકાનોના ભાડા બાબતે ચાલી રહેલા ગંભીર વિવાદે લોહિયાળ રૂપ ધારણ કર્યું હતું. મોટા દીકરાએ ક્રૂરતાની બધી હદો વટાવી પોતાની સગી માતા અને નાના ભાઈ પર ચપ્પુ વડે હુમલો કરી બંનેની હત્યા કરી નાખી છે.

મળતી વિગતો અનુસાર, મૂળ તેલંગાણાના વતની એવા તેલુગુ પરિવારના મલેશ્વરી સુદર્શન ગોડુંરું સુરતના લીંબાયત સ્થિત સહજાનંદ સોસાયટીમાં રહેતા હતા. મલેશ્વરીબેનને ત્રણ દીકરાઓ છે: (1) શ્રીનિવાસ), (2) રમેશ અને (3) રાજુ મલેશ્વરીબેન પોતાના નાના દીકરા રાજુ સાથે સહજાનંદ સોસાયટીમાં રહેતા હતા. મલેશ્વરીબેનના નામે કુલ ત્રણ દુકાનો આવેલી છે, જેનું દર મહિને આશરે ₹60,000/- જેટલું મકાન/દુકાન ભાડું આવતું હતું. તેઓ પોતાના નાના દીકરા રાજુ સાથે રહેતા હોવાથી આ ભાડાની તમામ રકમ નાના દીકરા રાજુને જ આપતા હતા.

naidunia_image

મિલકતને લઇને અવાર-નવાર તકરાર થતી હતી

નાના ભાઈને દર મહિને ભાડાની રકમ મળતી હોવાથી અને મિલકતના હક બાબતે મોટો દીકરો શ્રીનિવાસ અવારનવાર માતા સાથે તકરાર કરતો હતો. શ્રીનિવાસની માગણી હતી કે માતા પોતાની મિલકતના ત્રણેય ભાઈઓમાં સરખા ભાગે વહેંચણી કરી દે. જોકે, મલેશ્વરીબેને સ્પષ્ટપણે કહી દીધું હતું કે, "હું જ્યાં સુધી જીવતી છું ત્યાં સુધી આ મિલકતની કોઈ વહેંચણી કરવાની નથી." આ જ બાબતને લઈને મોટા દીકરા શ્રીનિવાસના મનમાં ભારે અસંતોષ ઊભો થયો હતો.

ચપ્પુ લઇને માતા અને ભાઇ પર તૂટી પડ્યો

આજે સવારે આશરે 7:30 વાગ્યાના સુમારે મોટો દીકરો શ્રીનિવાસ આવેશમાં આવીને માતા અને નાના ભાઈ રાજુના ઘેર પહોંચ્યો હતો. ઘરમાં ઘૂસીને તેણે અચાનક જ તીક્ષ્ણ ચપ્પુ વડે પોતાની સગી માતા મલેશ્વરીબેન અને નાના ભાઈ રાજુ પર ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. ચપ્પુના ગંભીર ઘા વાગવાના કારણે માતા અને નાના ભાઈ બંને લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને ઘટનાસ્થળે જ બંનેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ લીંબાયત પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ડબલ મર્ડરનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી તથા આરોપી શ્રીનિવાસને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. એક જ પરિવારના બે સભ્યોની આવી ઘાતકી હત્યાથી ચકચાર મચી જવા પામી હતી.

naidunia_image

ડીસીપી ડો.કાનન દેસાઈએ જણાવ્યું હતું કે માતા અને ત્રણ દીકરાઓ મિલકત બાબતે ઝઘડાઓ ચાલુ હતા અને છેલ્લા બે વર્ષથી વારંવાર મીટીંગો પણ થઇ છે અને સામાજિક મીટીંગ પણ થઇ છે, મિલકતના ભાગ પાડવા બાબતે માતા અને ત્રણ દીકરાઓ વચ્ચે મનદુખ હતું અને માતાએ કહ્યું કે અત્યારે કોઈ ભાગ અપાશે નહી અને જે ભાડું આવે છે તે નાના દીકરા પાસે રહેશે કારણ કે માતા નાના દીકરા સાથે રહેતા હતા આ બાબતે મનદુખ થતા શ્રીનીવાસ નીચે આવે છે અને તેના નાના ભાઈ અને માતાની હત્યા કરી છે. હાલ તેની અટકાયત કરી લેવામાં આવી છે.