સુરત: પુણા વિસ્તારમાં ઘરમાંથી મળ્યા માતા-પુત્રીના મૃતદેહ, ગામના જ યુવક પર હત્યાનો આરોપ; પોલીસ તપાસ શરૂ

માતા-પુત્રીના મોત મામલે પોલીસે તપાસ શરૂ કરી, જેમાં પ્રાથમિક તારણ આપઘાત હોવાનું પણ સામે આવ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 03 Sep 2026 03:19 PM (IST)Updated: Thu, 03 Sep 2026 03:19 PM (IST)
surat-mother-daughter-found-dead-in-puna-local-youth-accused-of-murder-police-investigation
Surat Mother Daughter Found Dead

Surat Crime News: સુરતના પુણા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં ઘરમાંથી માતા-પુત્રીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. આ સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતક મહિલાના પુત્રએ ગામના જ હિમાંશુ સિંહ નામના યુવક પર જ હત્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, સુરતના પુણા કેનાલ રોડ પર આવેલી શિવનગર સોસાયટીમાંથી માતા અને પુત્રીના મૃતદેહ મળ્યા છે. મૃતકની ઓળખ 42 વર્ષીય જાશાબેન અને 19 વર્ષીય પુત્રી મુસ્કાન તરીકે થઈ છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બંને મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. આ પરિવાર મૂળ ઉતરપ્રદેશનો વતની છે.

આ બનાવ અંગે મૃતક મહિલાના પુત્ર અને યુવતીના સગા ભાઈ આનંદ શ્રીવાસ્તવે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મૃતકના પુત્ર આનંદ શ્રીવાસ્તવે જણાવ્યું કે, ઘટના સમયે હું કામ પર હતો અને પપ્પા પણ નોકરી પર હતા. મારા નાના જુડવા ભાઈ છે, તે શાળાએ ગયા હતા અને ધોરણ 7 માં અભ્યાસ કરે છે. મારા પર મમ્મીનો ફોન આવ્યો કે છોકરો મારી રહ્યો છે, તો હું તાત્કાલિક ઓફિસથી ઘરે આવી રહ્યો હતો.

મૃતકના પુત્રએ વધુમાં કહ્યું કે, સહારા દરવાજા પાસે ટ્રાફિક હોવાથી ઘરે પહોંચવામાં મોડું થયું. ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં મારી મમ્મી અને બહેન બંનેને મારી નાખી હતી. મેં ઘરે જઈને જોયું તો માતાનો મૃતદેહ પાછળની રૂમમાં અને બહેનનો મૃતદેહ આગળની રૂમમાં હતો. મારી માતાના ગળામાં સાડી બાંધેલી હતી અને અડધી સાડી પંખામાં લટકેલી હતી. તેમજ બહેનના ગળા પર કાળા કાળા ધબ્બા હતા.

મૃતક મહિલાના પુત્રએ ગામના જ હિમાંશુ સિંહ નામના યુવક પર જ હત્યાનો આરોપ લગાવ્યો છે. મૃતકના પુત્રએ વધુમાં જણાવ્યું કે, હત્યા તેણે જ કરી છે જો હત્યા તેણે ન કરી હોય તો તે કેમ ભાગી જાય અને તે મમ્મીનો મોબાઈલ ફોન પણ લઈ ગયો છે. પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો છે. તેનું નામ હિમાંશુ સિંહ છે અને તે અહીં દોઢ વર્ષથી રહેતો હતો.