Surat: મોટા વરાછામાં ચિક્કાર પીધેલા કાર ચાલકનો કહેર, અકસ્માત સર્જી ભાગવા જતાં રોષે ભરાયેલા લોકોએ પકડીને ઢીબી નાંખ્યો

વાહનને અડફેટે લેતા લોકોએ કારને ઘેરી લીધી અંદર તલાશી લેતા દારૂની બોટલ મળી આવતા રોષે ભરાઈને ડ્રાઈવર કિશન ચુડાસમાને બહાર કાઢીને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 13 Aug 2026 04:28 PM (IST)Updated: Thu, 13 Aug 2026 04:28 PM (IST)
surat-news-drunken-driver-hits-vehicle-in-mota-varachha-caught-by-locals

Surat News: સુરતના મોટા વરાછા આઈટી પાર્ક પાસે કારના ચાલકે અકસ્માત સર્જતા ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જે બાદ તપાસ કરતા કાર ચાલક દારૂના નશામાં હોવાનું તેમજ કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. જેથી રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકને પકડીને મેથીપાક આપ્યો હતો

આ અંગે મળતી માહિતી મુજબ, સુરતના મોટા વરાછા આઈટી પાર્ક પાસે રાત્રીના સમયે એક ફોરવ્હીલ ચાલકે વાહનને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જે બાદ ત્યાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

લોકોના મારથી બચવા માટે કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોએ તેને પકડી પાડ્યો હતો. આ સમયે ડ્રાઈવર દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું. આથી લોકોએ કારમાં તલાસી લેતા અંદરથી દારૂની બોટલ પણ મળી આવી હતી. જેથી રોષે ભરાયેલા ટોળાએ કાર ચાલકને પકડીને રીતસરનો ઢીબી નાંખ્યો હતો.

બીજી તરફ બનાવની જાણ થતા ઉત્રાણ પોલીસની ટીમ ત્યાં પહોચી હતી. કાર ચાલકને ઈજા થઇ હોય પ્રથમ પોલીસ કાર ચાલકને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયી હતી. બીજી તરફ પ્રાથમિક સારવાર બાદ પોલીસે કાર ચાલક કિશન ચુડાસમાની અટકાયત કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.