Surat News: સુરતમાં ખાખી વર્દીની મર્યાદાને લજવતી ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના અઠવાગેટ વિસ્તારમાં એક પોલીસકર્મીએ પોતાની કાર આગળ જતી બસ સાથે અથડાવી હતી. આ ઘટના બાદ ત્યાં લોકો એકઠા થયા હતા અને તપાસ કરતા પોલીસકર્મી નશામાં હોવાનું બહાર આવ્યું હતું. એટલું જ નહી, તેમની કારમાંથી દારૂની બોટલ તેમજ પોલીસની વર્દી પણ મળી આવી હતી. પોલીસકર્મીએ નશાની હાલતમાં અકસ્માત કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ પોલીસકર્મી સામે કડક પગલા ભરવા માંગ કરી હતી.
નશામાં પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો
મળતી માહિતી મુજબ, સુરતના અઠવાગેટ પાસે ગતસાંજના સમયે અકસ્માત થયો હતો. એક કાર ચાલકે આગળ જતી બસને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, કારના આગળના ભાગને ભારે નુકસાન પહોચ્યું હતું, અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા. લોકોએ કાર ચાલકની તપાસ કરતા તે નશામાં હોવાનું જણવા મળ્યું હતું. એટલું જ નહી લોકોએ કારમાં તપાસ કરતા તેમાંથી પોલીસની વર્દી મળી આવી હતી.
કારમાંથી દારુ અને પોલીસ વર્દી મળી આવી
આ વર્દી પર લાગેલી નેમપ્લેટ પર અજયભાઈ એચ. પટેલ, ASI લખેલું હતું આ ઉપરાંત પોલીસનો બેલ્ટ તેમજ દારૂની બોટલ અને ખાલી ગ્લાસ પણ મળી આવ્યો હતો. પોલીસકર્મી નશામાં હોય અને તેણે કારથી અકસ્માત સર્જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હાલમાં ઉમરા પોલીસે ASI અજય પટેલની અટકાયત કરી લીધી છે અને તેની સામે પ્રોહિબિશન એક્ટ તથા અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિકોએ કાર્યવાહીની માંગણી કરી
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, કારમાં પોલીસ કોન્સ્ટેબલ હતા, તેમણે પાછળથી BRTS બસને ઠોકી છે, તેઓ ફૂલ નશાની હાલતમાં હતા. તેમની કારમાં વર્દી અને દારૂની બોટલ પડેલી છે, એક તરફ ગુજરાતમાં દારૂ બંધી છે, ત્યારે સરકારી માણસ જ આવી નશાની હાલતમાં છે. બસની જગ્યાએ જો કોઈ બાઈક ચાલક હોત તો જાન હાનિ પણ થાત.
હાજર સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે, બસના ડ્રાઈવર પર દબાણ લાવીને તેને અહીંથી દૂર કરાયો. હવે તે ડરી ગયો હોવાથી ફરિયાદ કરવા તૈયાર નથી. અમારી માંગ છે કે, નશાની હાલતમાં પોલીસકર્મી પર ગુનો નોંધાય તો તાત્કાલિક કાર્યવાહી થાય.
