Surat: શહેરના વેસુ VIP રોડ પર મોંઘીદાટ લક્ઝરી કારો લઈને નીકળેલા નબીરાઓએ અકસ્માત સર્જ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં નબીરાઓની કારે બીજી કારને ઠોકરે ચડાવી હતી. આ અકસ્માતમાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. જ્યારે આ મામલે પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી પાડ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વેસુ VIP રોડ પર મહિન્દ્રાની ઇલેક્ટ્રિક BE-6 અને BMW ચલાવી રહેલા કાર ચાલકે એક સ્વીફ્ટ કારને અડફેટે લીધી હતી. જેમાં કારમાં સવાર એક મહિલાને મૂઢ ઈજા થઇ હતી. આ અકસ્માતમાં ત્રણેય કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો.
આ અકસ્માતની આ ઘટનાને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી. પોલીસ તપાસમાં ઇલેક્ટ્રિક કારના ચાલક મંથન ભૂતપભાઈ પટેલ નશાકારક હાલતમાં મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.
આ ઉપરાંત જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં મહિન્દ્રાની ઇલેક્ટ્રિક BE-6 અને BMW કાર ખૂબ જ સ્પીડમાં હોવાનું દેખાય રહ્યું છે અને તેઓ રેસ લગાવી હોવાની શક્યતા છે. જો કે તેઓ રેસ લગાડી રહ્યા હતા કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ કરી રહી છે. પુરપાટ ઝડપે જતી કારો રસ્તાની બાજુમાં આવેલા ડિવાઈડર અને લાઈટ પોલ સાથે અથડાઈ હતી, જેના કારણે મનપાના ત્રણ પોલ ઉખડીને જમીનદોસ્ત થઈ ગયા હતા.
એસીપી વી.આર.મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ગઈ કાલે રાતે આશરે 1 વાગ્યે વેસુ પોલીસ સ્ટેશનના વીઆઈપી રોડ ફાયર સ્ટેશન પાસે સ્વીફ્ટ ડીઝાયર કારનો અકસ્માત થયો હતો. જેમાં રીતેશ પદમચંદ જૈન જેઓ પર્વત પાટિયા પાસે રહે છે, તેઓ મિત્રના ઘરે ફેમિલી સાથે સ્વીફ્ટ ડીઝાયર ગાડી લઈને ગયા હતા અને રાતે 1 વાગ્યે પરત આવતા હતા
આ સમયે વીઆઈપી રોડ ફાયર સ્ટેશન ત્રણ રસ્તા પાસે તેમની ગાડીને પાછળથી બે ગાડીઓએ અકસ્માત કર્યો હતો. જેમાં એક ગાડી મહિન્દ્ર કંપનીની ઇલેક્ટ્રિક કાર હતી અને બીજી બીએમડબ્લ્યુ કાર હતી. આ બંને ગાડીઓ વડે અકસ્માત થયેલાનું જણાવતા હોય તેમની ફરિયાદ લેવામાં આવી છે અને રીતેશભાઈની પત્નીને મૂઢ ઈજા થઇ છે અને તેમના બાળકને ઈજા થઇ નથી, આ મામલે ફરિયાદ દાખલ થઇ ગયી છે અને તપાસ ચાલુ છે.
વધુમાં જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક કારના ચાલક મંથન ભૂતપભાઈ પટેલ નશાકારક હાલતમાં મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. જયારે બીએમડબ્લ્યુ કાર ચાલક ઝલક હીરાભાઈ આહીર હજુ પોલીસ પકડમાં આવ્યો નથી પણ તેની સાથે ગાડીમાં બેસેલો ઋષિ સંજીવ પટેલ અત્યારે કસ્ટડીમાં છે. તેઓ રેસ લગાવી રહ્યા હતા કે કેમ તે બાબતે તપાસ ચાલુ છે, પરંતુ સીસીટીવી ફૂટેજમાં તેઓની બંને કારની સ્પીડ વધારે હતી તેઓ બંને વરાછા વિસ્તારના રહેવાસી છે અને એકબીજાના પરિચિત છે. તેઓ ડુમસ બાજુ ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા બંને ગાડીમાં કુલ 4 લોકો સવાર હતા, ઇલેક્ટ્રિક કારમાંથી એક દારૂની બોટલ પણ મળી આવી છે.
