Surat: સુરતમાં નિવૃત મહિલા કર્મચારીને ડિજિટલ અરેસ્ટ કરી 7 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ ગુનામાં એક આરોપીને પકડવામાં સુરત સાયબર ક્રાઈમ સેલને સફળતા મળી હતી. જેમાં ઉત્તર પ્રદેશના મથુરાથી આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોપીએ પોતાનું એકાઉન્ટ ભાડે આપ્યું હતું, જેમાં 7 લાખ પૈકી 4 લાખ રૂપિયા જમા થયા હતા.
સુરતમાં રહેતા એક નિવૃત મહિલા કર્મચારી ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા હતા. તેઓને બે દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને મુંબઈ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી વીડિયો કોલ કરી નરેશ ગોયેલ કેસમાં તમારા નામના સિમ કાર્ડ દ્વારા ટ્રાન્જેકશનો થયા હોવાનું જણાવ્યું હતું. તેમજ મની લોન્ડરિંગ કેસ થયો હોવાનું જણાવી તેમના તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવી લીધી હતી. ડિજિટલ અરેસ્ટ કરીને બળજબરી પૂર્વક ૭ લાખ રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા.
આ મામલે ફરીયાદીએ ગત તા. 3-9-2024ના રોજ ફરિયાદ આપતા સુરત સાયબર ક્રાઈમ સેલમાં ગુનો નોંધાયો હતો અને સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગુનામાં યુપી મથુરા ખાતેથી આરોપી સંતોષસિંગ હાકીમસિંગ બદનસિંગ (29)ને ઝડપી પાડ્યો હતો
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, 7 લાખ પૈકીના 4 લાખ રૂપિયા આરોપીના બેંક એકાઉન્ટમાં જમા થયા હતા અને આ બેંક એકાઉન્ટ આગળ નાસતા ફરતા આરોપીઓ પુષ્પેન્દ્ર ગોલા અને નૈમીશ ચૌધરીને કમીશન લઇ ઉપયોગ કરવા આપ્યું હતું તેમજ ત્રણેય આરોપીઓ જાતે બેંકમાં ગયા હતા અને આરોપીએ ચેક દ્વારા 4 લાખ રૂપિયા ઉપાડી નાસતા ફરતા આરોપી પુષ્પેન્દ્ર ગોલા તથા નૈમીશ ચૌધરીને આપ્યું હતું
એસીપી શ્વેતાબેન ડેનિયલએ જણાવ્યું કે, એક નિવૃત મહિલા અધિકારીની અરજી મળી હતી. જેની અંદર તેમની સાથે 7 લાખ રૂપિયાનું ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયું હતું. જેમાં ફરિયાદીને સાયબર ક્રિમીનલ દ્વારા કોલ કરીને સંપર્ક કર્યો હતો એમને જણાવવામાં આવ્યું હતું કે તમારો સીમકાર્ડનો ઉપયોગ નરેશ ગોયલ કેસમાં અને મની લોન્ડરિંગ તેમજ ગેરકાયદે પ્રવૃતિમાં થયો છે. તેના માટે અમે તમને ડિજિટલ અરેસ્ટ કરીએ છીએ અને મહિલા ફરીયાદીને ધાક ધમકી આપીને અને પોલીસ કેસની કાર્યવાહી અને સમાજમાં બદનામી થશે તેવો ડર બતાવીને 7 લાખ જેટલી રકમ એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવી હતી
વધુમાં જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમ સેલને આ ફરિયાદ મળતા અહિયાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં જણાયું હતું કે, 7 લાખમાંથી એક એકાઉન્ટ મથુરા યુપીનું છે. જેની અંદર 4 લાખ રૂપિયા જમા થયા છે અને ત્યારબાદ ત્યાંથી પૈસા વિડ્રો થયા છે.
આથી સુરત સાયબર સેલની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને યુપી મથુરા ખાતે જઈને આરોપી સંતોષસિંગ હાકીમસિંગ બંદનસિંગની ધરપકડ કરી છે.
વધુમાં જણાવ્યું હતું કે આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ આગળ પોતાના ઓળખીતાને કમીશન પર ભાડે આપ્યું હતું અને સાયબર ક્રાઈમના જે પૈસા એકાઉન્ટમાં આવ્યા હતા તે બંને આરોપીઓને સાથે લઈને ATMમાં જાતે ઉપાડવા ગયા હતા અને રૂપિયા ઉપાડીને પૈસા આગળ આપ્યા છે અને તપાસ દરમ્યાન જે નામો ખુલ્યા છે, તે પુષ્પેન્દ્ર ગોલા રહેવાસી મથુરા યુપી અને નૈમીશ ચૌધરી જે એકાઉન્ટ હોલ્ડર આરોપી સંતોષસિંગના ઓળખીતા છે, જે હાલ નાસતા ફરતા આરોપીઓ છે અને તેમને પકડવા માટેની કાર્યવાહી સાયબર ક્રાઈમ સેલ દ્વારા કરવામાં આવી રહી છે. હાલ આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ જણાય આવ્યો નથી તેણે નાણાકીય લાભ માટે પોતાનું એકાઉન્ટ મિત્રો સાથે મળીને ભાડે આપ્યું હતું.
