Surat: સુરત શહેરમાં શિયાળાની શરૂઆત થતાં જ રખડતા કૂતરાઓનો ત્રાસ વધવા લાગ્યો છે, ત્યારે શહેરના સૈયદપુરા વિસ્તારમાં રખડતા કૂતરાઓના કારણે એક યુવકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઈબ્રાહીમ ઉર્ફે એજાઝ અહેમદ અન્સારી (38) નામનો યુવક આજે સવારે કબ્રસ્તાનમાંથી ફાતિહા પઢીને ઘર તરફ આવી રહ્યો હતો. ઈબ્રાહીમ સૈયદપુરાના ભંડારીવાડમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે 5 થી 6 ડાઘીયા કૂતરાઓ તેની પાછળ પડ્યા હતા.
કૂતરાઓથી પોતાનો જીવ બચાવવા માટે ઈબ્રાહીમે દોટ મૂકી હતી, તો ડાઘીયાઓનું ઝૂંડ પણ તેની પાછળ દોડ્યું હતુ. આ દરમિયાન ઈબ્રાહીમ નીચે પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. આથી તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 12 દિવસની સારવારને અંતે યુવકનું મોત નીપજ્યું છે. જેના પગલે અન્સારી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
આ મામલે મૃતકના ભાઈ આફતાબ અન્સારીએ જણાવ્યું કે, મારો ભાઈ ઈબ્રાહીમ સવારે મારા અબ્બાના ફાતિયા (દુઆ) પઢીને કબ્રસ્તાનથી ઘરે આવી રહ્યો હતો. જેવો તે ઘર નજીક પહોંચ્યો, ત્યારે જ ચાર થી પાંચ કૂતરાઓનું ટોળું કરડવા માટે તેની પાછળ દોડ્યું હતુ. આથી ઈબ્રાહીમ પણ જીવ બચાવવા ભાગ્યો હતો. આ સમયે ઈબ્રાહીમ નીચે પટકાયો હતો. જેમાં તેનીપીઠની મેઈન નસ ડેમેજ થઈ ગઈ હતી અને શરીર પણ પેરેલાઈઝ થઈ ગયું હતુ.
આથી તાત્કાલિક ઈબ્રાહીમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં 10 દિવસ ICUમાં સારવાર બાદ તબીયતમાં કોઈ સુધારો ના જણાતા બે દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં ગઈકાલે મોડી રાતે તેનું મોત થયું છે.
હું ઈચ્છું છું કે, મનપા સખ્ત પગલા લે, જેથી મારા ભાઈ સાથે થયું, તેવું બીજા કોઈની સાથે ના થાય. અહીં મહોલ્લામાં નાના બાળકો રમતા હોય છે. ગલીમાં એટલા કૂતરા થઈ ગયા છે કે, બાળકોને બચાવવા પણ મુશ્કેલ છે. અગાઉ પણ અનેક લોકોને કૂતરાઓ કરડ્યા છે. જો કોઈ હાજર ના હોય, તો બાળકોને ચીરફાડ પણ કરી શકે છે. મારી એક જ માંગ છે કે, કૂતરાની સમસ્યા તાત્કાલિક દૂર કરવામાં આવે.
