Surat: ઉમરા વિસ્તારમાં આવેલા રૂંઢનાથ મહાદેવ મંદિર અને વેલેન્ટાઈન સિનેમા પાસે આવેલા શ્રી કાલી માતા મહીમા મંદિરમાં ચોરીની ઘટના બની હતી. આ ગુનાનો ભેદ ઉકેલીને ઉમરા પોલીસે બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરતના ડુમસ રોડ વેલેનટાઈન સિનેમાની પાછળ આવેલા શ્રી કાલી માતા મહીમા મંદીરમાં ગત 2 નવેમ્બરના રોજ ચોરીની ઘટના બની હતી. તસ્કરો મંદિરના બારણાનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા અને બે દાનપેટીમાંથી અંદાજે 5 હજારની રોકડ રકમ ચોરી કરી હતી તેમજ મંદિરના ચાર સીસીટીવી કેમેરાના વાયરો ખેચીને આશરે બે હજાર રૂપિયાનું નુકશાન કરી ફરાર થઇ ગયા હતા
જયારે બીજા બનાવમાં મગદલ્લા ગામ હરીઓમ સોસાયટીની બાજુમાં આવેલા રૂંઢનાથ મહાદેવ મંદિરમાં ગત 4 નવેમ્બરના રોજ ચોરીની ઘટના બની હતી. તસ્કરો મંદિરના મુખ્ય દરવાજાનું તાળું ગ્લાઇન્ડર મશીન વડે તોડી મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને મંદીરમા ગણપતિજી તથા રાધાકૃષ્ણની મૂર્તિ સામેની દાન પેટીનો નકુચો કાપી નાખી તથા મંદિરના દરવાજા પાસે મુકેલ દાન પેટી ની બોર્ડર કોઇ સાધન વડે નીચે ના ભાગે વાળી દઇ બન્ને દાન પેટી માંથી અંદાજીત 60 હજારની મત્તા ચોરી કરી ગયા હતા. તેમજ સીસીટીવી કેમેરાના વાયરો કાપી નુકશાન કરી આશરે બે વાગ્યે નાસી ગયા હતા. આ બંને મંદિરોમાં થયેલી ચોરીની ઘટનાને લઈને ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી
આ મામલે ઉમરા પોલીસની ટીમે 150થી વધારે સીસીટીવી ફૂટેજ તપાસીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે દીપક એકનાથ સોનવણે [31] અને દીપક રવીન્દ્ર જાદવને [26] ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 18,230 રૂપિયા રોકડા તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ 28,230 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. બંને આરોપીઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે અને છેલ્લા ૩ થી 4 વર્ષથી સુરત શહેરમાં રહે છે.
પલસાણા પોલીસે લૂંટના ગુનામાં સગીર સહિત 3ને ઝડપ્યા, 2 ગુનાનો ભેદ ઉકેલાયો
સુરત જિલ્લામાં જોળવા ગામની સીમમાં ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીયલ જવાના રોડ પર જાહેરમાં ગત ૧ નવેમ્બરના રોજ લૂંટનો ગુનો બન્યો હતો જેમાં બાઈક પર આવેલા ત્રણ ઈસમો ફરિયાદની નજીક બાઈક લઈને આવ્યા હતા અને હિન્દી ભાષામાં ગાળો આપી હતી ત્રણ પૈકીના પાછળની સીટ પર બેસેલા એક ઇસમેં ફરિયાદીનો શર્ટનો કોલર પકડી લીધો હતો અને અન્ય બીજા ઇસમેં તેની પાસે રહેલા ચપ્પુ વડે ફરિયાદીના ડાબા હાથના ભાગે તેમજ ડાબી પડખાના ભાગે એક ઘા મારી 5 હજારની કિમંતનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો આ મામલે પલસાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો

આ ગુનામાં પલસાણા પોલીસની ટીમે નીખીલસિંગ રમેશસિંગ રાજપૂત [ઉ.૨૨] અને પિંકલ ઉર્ફે પીગલુ રંજન બડેઈ [ઉ.૨૨] અને એક સગીરને ઝડપી પાડ્યા હતા. પોલીસની પૂછપરછમાં તેમણે ગુનો કબુલ્યો હતો. આ ઉપરાંત આરોપીએ જણાવ્યું હતું કે ત્રણેય તથા જયદીપ ઉર્ફે દીપુ ભૂપતિ દ્રિવેદી સાથે ગત 1 નવેમ્બરના રોજ સાંજના ચારેક વાગ્યાના આસપાસ બાઈક પર બેસી તાતીથૈયા ગામે આવેલા જોળવા ગાર્ડન મિલ પાસે પાનના ગલ્લા વાળા પાસેથી સિગારેટ લીધી હતી અને તેના પૈસા માંગતા ચારેય ગાળાગાળી કરવા લાગ્યા હતા અને ચપ્પુ કાઢી ધમકાવવા લાગ્યા હતા અને માર મારી પેન્ટ ખિસ્સામાંથી 1 મોબાઈલ ફોન, તથા રોકડા રૂપિયા અને સ્માર્ટ ઘડિયાળની લૂંટ કરી ચારેય ઈસમો બાઈક પર બેસીને નાસી ગયા હતા.
જેથી પોલીસ તપાસમાં કડોદરા જીઆઈડીસીમાં નોંધાયેલા લૂંટ ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો, પોલીસે આરોપીઓ પાસેથી ૪૦ હજારની કિમંતની એક બાઈક, 10 હજારની કિમંતના બે મોબાઈલ ફોન, ૧ હજાર રુપિયાની કિમંતની એક ડીજીટલ વોચ અને એક ચપ્પુ મળી કુલ ૫૧ હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો
