Surat: સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએથી એમડી ડ્રગ્સ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યું છે. પોલીસે કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે તેમજ એમડી ડ્રગ્સના જત્થા સહીત કુલ 10 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ગત 25 જાન્યુઆરીના રોજ રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં રાંદેર રોડ અમર ચિલ્ડ્રન હોસ્પિટલ સામે જાહેર સર્વિસ રોડ પરથી મોપેડ પર એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આવનાર આરોપી ફહદ સઈદ શેખ અને સાહિલ અલ્તાફ શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી 5,38,200 રૂપિયાની કિમંતનું 53.820 ગ્રામ એમડી ડ્રગ્સ, રોકડા રૂપિયા 13,100 અને મોપેડ મળી કુલ 7,16,300 રુપીયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.
પકડાયેલા બંને આરોપીઓના કબ્જામાંથી મળી આવેલો એમડી ડ્રગ્સનો જથ્થો સોહાન હજીફુલ્લા ખાન પાસેથી વેચાણ અર્થે મંગાવતા તેણે તેના અન્ય સાગરિત મારફતે આ ડ્રગ્સનો જથ્થો રાંદેર તીનબત્તી પાસે આવી આપી ગયા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તે બંનેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી.
Surat: કામરેજના યુવકને વિદેશ જવાનો મોહ ભારે પડ્યો, ઠગ ત્રિપુટીએ 10 લાખ પરત ના કરતાં ઝેરી દવા ગટગટાવી
આ દરમ્યાન 26 જાન્યુઆરીના રોજ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી સોહાન હજીફુલ્લા ખાનને તેના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેના કબ્જામાંથી 2,63,200 રૂપિયાની કિમંતનું 26.320 ગ્રામ એમડી ડ્રગ્સ તથા શંકાસ્પદ ક્રિસ્ટલ પદાર્થ કુલ વજન 1840 ગ્રામ તથા ડ્રગ્સમાં મિશ્રણ કરવા માટે રો મટીરીયલ્સ તરીકે ઉપયોગ કરવા લાવેલ મેગ્નેશિયમ સલ્ફેટનો જથ્થો તથા અન્ય મુદામાલ મળી કુલ 2,72,950 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી ફહદ શેખ ધો.10 સુધી ભણેલો છે અને છેલ્લા ચારેક વર્ષથી ટુ-વ્હીલર તથા ફોરવ્હીલર ગાડી લે વેચ કરે છે તથા ઓનલાઇન બુટ,ચપ્પલ વગેરે વસ્તુનું વેચાણ કરે છે, આરોપી સાહિલ સૈયદ ધો.8 સુધી ભણેલો છે અને છેલ્લા ચારેક વર્ષથી ટુ-વ્હીલર તથા ફોરવ્હીલર ગાડી લે વેચ કરે છે.
આરોપી સાહિલ અગાઉ વર્ષ 2019માં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેના સાગરીતો સાથે મળીને પોતાના સગા કાકાનું ખૂન કરેલ જે ગુનામાં 6 માસ જેલમાં રહ્યો હતો અને તે પછી પાસામાં સાત મહિના જેલ ભોગવી ચુક્યો છે. આ ઉપરાંત પણ પોતે બે વખત રાંદેર પોલીસ મથકમાં મારામારીના ગુનામાં પકડાઈ ચુક્યો છે.
આરોપી ફહદ શેખ તથા સાહિલ સૈયદ સાળો બનેવી થાય છે બંને આરોપી અગાઉ વર્ષ 2022 માં પુણા પોલીસ મથકમાં 39.10 લાખની કિમંતના 39.100 ગ્રામ કોકેઇન ડ્રગ્સના ગુનામાં પકડાઈ ચુક્યા છે.
વધુમાં વર્ષ 2022ના પુણા પોલીસ મથકમાં કોકેઇન ડ્રગ્સના ગુનામાં આરોપી સાહિલનો બનેવી ઈસ્માઈલ ગુર્જર મુબારક શેખ પણ પકડાયો હતો. આ ઈસ્માઈલ ગુર્જર વડોદરા રણોલી જીઆઈડીસીમાં એમડી ડ્રગ્સમાં ગુજરાત એટીએસમાં પકડાયો છે તેમજ વર્ષ 2021માં પોતાના સાગરીત મો.માહિર મલેકને એક પિસ્ટલ તથા ત્રણ કાર્ટીઝ આપેલા જેમાં પોતે ક્રાઈમ બ્રાંચમાં પકડાઈ ગયો હતો તેમજ વર્ષ 2022 માં ફરીયાદી ઈરફાન તેના મિત્રો પેશાબ કરવા ઉભા રહેલા તેઓ ઉપર આ ઈસ્માઈલ ગુર્જરે પોતાના સાગરીતો સાથે મળી ઘાતક હથીયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો અઠવાડિયા બાદ બીજા ફરીયાદી અસ્ફાક નાસીર શેખને જૂની અદાવતના કારણે પોતાના સાગરીતો સાથે મળી ઘાતક હથીયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં પણ પકડાઈ ગયો હતો. આ ઉપરાંત નાના મોટા મારામારીના ગુનામાં પણ પકડાઈ ચુક્યો છે. વધુમાં આરોપી સાહિલ સૈયદની બહેન હીના ઈસ્માઈલ ગુર્જર વર્ષ 2023માં રાંદેર વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ વજન 500 ગ્રામમાં એસઓજી સુરત શહેરના હાથે પકડાઈ ચુકી છે.
આરોપી સોહાન ધો,.6 સુધી ભણેલો છે અને પોતે અલગ અલગ જગ્યાએ ફૂટપાથ ઉપર કપડા વેચવાનું કામ કરે છે. આરોપી સોહન એમડી ડ્રગ્સના ધંધામાં વધુ નફો કમાવવા સારું ડ્રગ્સમાં વજન વધારી ગ્રાહકોને વેચવા માટે તેમાં મેગ્નેશિયમ સેલ્ફેટના ક્રિસ્ટલ તથા પાવડર સ્વરૂપનો પદાર્થ મિશ્રણ કરીને વધુ વજન કરી વેચાણ કરતો આવેલ છે. આરોપી સોહાન પકડાયેલો એમડી ડ્રગ્સનો જથ્થો તથા આ ડ્રગ્સના જથ્થામાં મિશ્રણ કરવા માટે પકડાયેલ મેગ્નેશિયમ સલ્ફેટના પેકેટોનો જથ્થો ગત 24 જાન્યુઆરી 2025ના રોજ મુંબઈ ખાતે રહેતા પોતાના સાગરીતો પાસે મંગાવતા તે સુરત આવી આપી ગયો હોવાનું જણાવ્યું હતું. હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આમ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને 8,01,400 રૂપિયાની કિમંતનું 80,140 ગ્રામ એમડી ડ્રગ્સ તથા શંકાસ્પદ ક્રિસ્ટલ પદાર્થ વજન 1840 ગ્રામ તથા ડ્રગ્સમાં મિશ્રણ કરવા માટે રો મટીરીયલ્સ તરીકે ઉપયોગ કરવા લાવેલા મેગ્નેશિયમ સલ્ફેટનો જથ્થો તથા અન્ય મુદામાલ મળીને કુલ 9,89,250 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો અને એક જ દિવસમાં એનડીપીએસ હેઠળ બે અલગ અલગ કેસો કરીને વધુ તપાસ હાથ ધરી છે.
