Surat: શહેરના વેસુ વિસ્તારમાં જૈન દેરાસરને આશાપુરી માતાજીના મંદિરમાં ચોરી થઇ હતી જે ગુનાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઉકેલી કાઢ્યો છે. પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં ત્રણ ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વેસુ સુડા ભવન નજીક આવેલા જૈન દેરાસરની પાઠશાળામાં ગત 30 જાન્યુઆરીના રોજ ચોરી થઇ હતી. તસ્કરો દેરાસરમાંથી શાંતિનાથ અને અરનાથ ભગવાનની પંચધાતુ મૂર્તિઓની ચોરી ગયા હતા તેમજ વેસુ ગામ સ્થિત મંદિર ફળીયામાં આવેલા આશાપુરી માતાના મંદિરના ગર્ભ ગૃહમાંથી ભગવાનની અમુલ્ય મૂર્તિઓ, પંચધાતુનો મુગટ, છતર, ચાંદીની પાદુકા તેમજ મંદિરની દાન પેટીમાંથી રોકડ વિગેરેની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા. આ મામલે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ દરમ્યાન ક્રાઈમ બ્રાંચની ટીમે ભાણીયા ઉર્ફે રાજુ ધર્મા મીણા અને મેંદીયા ઉર્ફે મહેન્દ્ર ધર્મા મીણાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી શાંતિનાથ ભગવાનની પંચધાતુની મૂર્તિ, અરનાથ ભગવાનની પંચધાતુની મૂર્તિ, મુગટ, છતર, 2 મોબાઈલ, મતાજીના હાર, કાનનું કુંડળ, સ્ટીલના કડા અને રોકડા રૂપિયા 11225 સહિત 58,825 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો
વધુમાં ઝડપાયેલા આરોપીઓ બંને સગા ભાઈઓ છે અને તેઓ સુરત શહેર ખાતે નવી બંધાતી સાઈટ ઉપર તેમના વતનના સાગરિતો રોહિત અને લક્ષ્મણ નામના ઈસમો સાથે મજૂરી કામ કરે છે અને સાઈટ ઉપર જ રહે છે અને કન્ટ્રકશન સાઈટની નજીકના મંદિરોને ટાર્ગેટ કરી રાત્રીના સમયે ચોરી કરવાની ટેવવાળા છે.
ગત દિવાળી પહેલા બંને જણાએ તેઓના સાગરીતો સાથે પોતાની સાઈટની નજીકના વિસ્તારમાં આવેલા મંદિરોમાં રાત્રીના સુમારે ચોરી કરવાનું નક્કી વેસુ ગામ મંદિર ફળીયામાં આવેલા આશાપુરી માતાના મંદિરમાંથી મુગટ, પાદુકા છતર, દાનપેટી રોકડ રકમની ચોરી કરી હતી તે બાદ સાતેક દિવસ પહેલા ફરીથી આ જ આશાપુરી માતાના મંદિર અને વેસુ સુડા ભવન પાસે આવેલા જૈન મંદિરમાંથી ભગવાનની મૂર્તિ વગેરેની ચોરી કરી હતી.
વધુમાં આરોપીઓની પૂછપરછમાં મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના જિરન વિસ્તારમાં આવેલા હર્કીયાખ્યાલ બાલાજી સંકટ મોચન મંદિરમાંથી 3 મુગટ, પાદુકા, છતર-3 , દાનપેટી, માતાજીની તલવાર, ભગવાનની ચાંદીની ગદા, પિતળની ગદા વિગેરેની ચોરી કરી હોવાનો પણ ભેદ ખુલવા પામ્યો હતો.