Surat: વહેલી સવારે મૉર્નિંગ વૉકર્સને ટાર્ગેટ કરતો રીઢો સ્નેચર ઝબ્બે, રૂ. 3.38 લાખનો મુદ્દામાલ કબજે; 4 ગુનાનો ભેદ ઉકેલાયો

પાલ, અડાજણ અને અશ્વિનીકુમારમાં વહેલી સવારે એકલા વૉકિંગ કરતાં લોકોને રેકી કરીને તેમની પાસેથી મોબાઈલ અને ચેઈનની ચીલઝડપ કરીને મોપેડ પર ભાગી છૂટવાનો મોડસ ઓપરેન્ડી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 30 Apr 2026 09:30 PM (IST)Updated: Thu, 30 Apr 2026 09:30 PM (IST)
surat-news-crime-branch-arrests-serial-chain-snatcher-targeting-morning-walkers
HIGHLIGHTS
  • આરોપી 20 દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો

Surat: સુરત શહેરના પાલ,અડાજણ, અશ્વિનિકુમાર વિસ્તારમાં વહેલી સવારે ચાલવા નીકળતા લોકોને ટાર્ગેટ કરી સોનાની ચેઇન તથા મોબાઇલની ચીલઝડપ કરતા રીઢા આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોલીસે 3.38 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ પોલીસ તપાસમાં 4 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે.

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ભેસ્તાન આવાસ પાસેથી આરોપી સાહીલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ ઝાકીર શેખ (23)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-3 તથા સોનાનું પેન્ડન્ટ તથા મોપેડ મળી કુલ 3,38,545 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલ આરોપી રીઢો ગુનેગાર છે. જે વહેલી સવારે ઘરેથી નીકળી જાહેર બગીચાઓ, રસ્તા પર એકલા ચાલવા માટે નીકળેલ સ્ત્રી-પુરુષોની રેકી કરી ટાર્ગેટ કરતો અને એમની પાસે રહેલ મોંઘા મોબાઇલ ફોન અને સોનાની ચેઇન ચીલઝડપ કરી પુર ઝડપે મોપેડ પર નાસી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.

આરોપી સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ તથા ચેઇન સ્નેચીંગના ગુનામાં પોલીસે પકડ્યો છે. તેમજ આજથી 20 દિવસ પહેલા જેલમાંથી પાસાની સજા પુરી કરી જેલ મુક્ત થયો છે.

જેલમાંથી છુટ્યા બાદ પોતાની પાસે રહેલ મોપેડ પર વહેલી સવારે નીકળી પાલ વિસ્તારમાં અલગ અલગ ત્રણ રાહદારીઓને ટાર્ગેટ કરી એક સોનાની ચેઇન, એક સોનાનુ પેન્ડન્ટ લઇને નાસી ગયો હતો. તેમજ અડાજણ, અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે આઇફોન સ્નેચીંગ કરેલાની કબુલાત કરી હતી.

પોલીસ તપાસમાં પાલ પોલીસ મથકના 2, અડાજણ અને અશ્વિની કુમાર પોલીસ મથકમાં નોંધાયેલો 1 ગુનો મળી કુલ 4 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. આરોપી સામે અગાઉ ઉધના, ગોડાદરા, અડાજણ પોલીસ મથક મળી કુલ 6 ગુના નોંધાયેલા છે.