Bharuch: જીવનમાં જ્યારે આવેગ સમજણ પર હાવી થઈ જાય છે ત્યારે તેના પરિણામો અત્યંત કરુણ હોય છે. અંકલેશ્વરમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં, સામાન્ય પારિવારિક અણબનાવ અને માતાની એક નાનકડી શિખામણના લીધે 22 વર્ષીય આશાસ્પદ યુવાને નર્મદા નદીમાં ઝંપલાવી પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. ગુમ થયાના ત્રણ દિવસ બાદ યુવાનનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.
પરીક્ષાના આગલા દિવસે જ કરુણાંતિકા
મૃતક દીપ મગનભાઈ પટેલ MSCના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને કારકિર્દીના મહત્વના પડાવ પર હતો. તે પરીક્ષા આપવા માટે અમદાવાદ જવાની તૈયારીમાં હતો. 27 તારીખની રાત્રે દીપની માતાએ તેને જણાવ્યું હતું કે, તેમને ઘૂંટણમાં દુખાવો હોવાથી દીપ પોતાની બેગ જાતે પેક કરી લે. દીપને માતાની આ સામાન્ય વાતનું એટલું માઠું લાગ્યું કે, તે ઉશ્કેરાટમાં આવી ગયો હતો. આ નાનકડી ટકોર બાદ તે કોઈને પણ કહ્યા વગર રાત્રે જ ઘરેથી નીકળી ગયો હતો.
મોબાઈલ-બાઈક મૂકી અંતિમ પગલું ભર્યું
ઘરેથી નીકળ્યાના બીજા દિવસે દીપએ પરિવારને એક મેસેજ કર્યો હતો કે, તેનું બાઈક અને મોબાઈલ તપોવન આશ્રમ પાસે પડ્યા છે. પરિવારે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરી તો વસ્તુઓ મળી આવી હતી, પરંતુ દીપનો કોઈ પત્તો નહોતો. ત્રણ દિવસ સુધી પરિવારે ભારે આશા સાથે તેની શોધખોળ કરી હતી, જેનો અંત આજે અત્યંત દુઃખદ આવ્યો હતો.
નદી કિનારેથી ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો
જુના બોરભાઠા બેટ ગામના સ્મશાન પાસે નદી કિનારે એક અજાણ્યો મૃતદેહ હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી. સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે પોલીસને જાણ કરી હતી. ત્રણ દિવસ પાણીમાં રહેવાને કારણે મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં હતો, પરંતુ તપાસ બાદ તે ગુમ થયેલા દીપ પટેલનો હોવાની પુષ્ટિ થઈ હતી.
પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ એક તેજસ્વી યુવાનના આવા કરુણ અંતથી અંકલેશ્વરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
