Surat News: સુરત શહેરમાં હોટ ફિકસનો કચરો ગમે ત્યાં નિકાલ કરવામાં આવતા સ્થાનિકો પરેશાન થયા છે. આ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ વિરોધ દર્શાવવા સુરતના મેયર માયા માવાણીના નિવાસસ્થાને હોટફિક્સનો કચરો ઠાલવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જેને પગલે જાગેલું મનપા તંત્ર એકશનમાં આવ્યું છે. જે બાદ વિવિધ ઝોનમાંથી 1500થી વધુ હોટ ફિક્સ એકમોને નોટિસો ફટકારી છે.
ગઈકાલે સુરત મનપાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં પણ હોટ ફિક્સ કચરાનો મુદ્દો ગાજ્યો હતો. જેમાં તેને દુર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો
AAP દ્વારા મેયરના ઘરની બહાર હોટ ફિક્સના કચરાનો ઢગલો કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યાની ઘટના બાદ હરકતમાં આવેલા મનપાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા રહેણાંક વિસ્તારોમાં હોટ ફિક્સ યુનિટ ધમધમતા હોય તેના પર કાર્યવાહી કરવામાં આવી છે.
જે અંતર્ગત વરાછા ઝોનમાં 547, સરથાણામાં 115, લિંબાયતમાં 216, કતારગામમાં 160, ઉધના ઝોનમાં 10 એકમોનો નોટિસ ફટકારવામાં આવી છે. સોલિડ વેસ્ટ વિભાગ ઉપરાંત મનપાના ફાયર વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 368 જેટલા યુનિટને નોટિસ ફટકારાઈ છે. આ ઉપરાંત વીજ કંપનીઓને પણ જોડાણ કાપવા માટે સૂચના અપાઈ હતી. આગામી દિવસોમાં પણ જો યુનિટો શરુ રહેશે તો મિલકત સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
