સુરતના કાર્યક્રમમાં સી.આર. પાટીલનો સન્માન સ્વીકારવાનો ઈનકાર, કહ્યું- 'આતંકી હુમલો થયો છે, ત્યારે સન્માન નહીં કાર્યવાહીની જરૂર'

સી.આર. પાટીલે ગ્લોબલ સમિટના આયોજકોને બે હાથ જોડીને કહ્યું- 'પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો ના લેવાય ત્યાં સુધી કોઈ સન્માન નહીં સ્વીકારું'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 03 May 2025 06:25 PM (IST)Updated: Sat, 03 May 2025 06:25 PM (IST)
surat-news-cr-patil-refuse-to-accept-honor-due-to-pahalgam-terror-attack
HIGHLIGHTS
  • આયોજકોએ પાટીલના નિર્ણયનું સમ્માન કરીને માત્ર ગ્રુપ ફોટો લીધો

Surat: કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને 26 નિર્દોષ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમગ્ર દેશમાં આતંકવાદને નેસ્તનાબુદ કરવા અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની માંગ ઉઠી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પર આતંકવાદીઓના સફાયા માટે સેનાને ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે. એવામાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા આજે સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં જ્યાં સુધી પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો ના લેવાય, ત્યાં સુધી સન્માન નહીં સ્વીકારવાનો નિર્ણય જાહેર કર્યો છે.

હકીકતમાં આજે સુરતના અવધ ઉટોપિયા ખાતે ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સમિટમાં શેર બજારના રોકાણકારો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં આયોજકો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સી.આર. પાટીલનું ઔપચારિક સ્વાગત-સન્માન કરવા માંગતા હતા, પરંતુ તેમણે પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરીને સન્માન સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.

આ તકે સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આજે ભારત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. વિશ્વમાં આપણા દેશને મહત્ત્વ મળી રહ્યું છે. આજે શેર બજાર પરથી જ અંદાજો લગાવી શકાય છે કે, દેશની આર્થિક સ્થિતિ કેવી છે? ટેરિફ વૉરના કારણે અમેરિકાનું માર્કેટ પણ ડિસ્ટર્બ થતું હતુ, જેના કારણે આખરે ટ્રમ્પે પણ ટેરિફ અંગે યુ-ટર્ન લેવો પડ્યો હતો.

પોતાના સંબોધન બાદ સી.આર. પાટીલ જેવા તેમની જગ્યા પર બેસવા જતાં હતા, ત્યારે સ્ટેજ પરથી આયોજકો દ્વારા તેમનું સન્માન કરવા માટે નામ બોલવામાં આવ્યું હતુ. જો કે પાટીલે સન્માન સ્વીકારવાનો ઈન્કાર કરતાં બે હાથ જોડીને કહ્યું કે, જ્યારે દેશમાં આટલો મોટો આતંકવાદી હુમલો થયો હોય, ત્યારે સન્માન નહીં, કાર્યવાહીની જરૂર છે. હું જ્યા સુધી દેશની જવાબી કાર્યવાહી કરતા નહીં જોઉ, ત્યાં સુધી આવા કાર્યક્રમોમાં માત્ર લોકોની વચ્ચે રહીશ, પરંતુ કોઈ બૂકે કે સ્મૃતિ ચિહ્ન નહીં સ્વીકારું. આખરે આયોજકો દ્વારા સી.આર. પાટીલના નિર્ણયનું સન્માન કરવામાં આવ્યું હતુ અને માત્ર ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો.