Surat: મ્યાનમારના સાયબર કૌંભાંડમાં સુરતમાંથી ઝડપાયેલા આરોપીઓ પાસેથી 25 વોલેટ મળ્યાં, સ્લેવરી રેકેટમાં ક્રિપ્ટોકરન્સીનો પર્દાફાશ

આ ગેંગ કમિશનની રકમ ક્રિપ્ટોકરન્સીમાં નીપેન્દરને ચૂકવતી હતી, જેમાંથી નીપેન્દર તેના સાગરિતો પ્રીત અને આશીષને હિસ્સો આપતો હતો.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Fri 05 Sep 2025 10:03 AM (IST)Updated: Fri 05 Sep 2025 10:03 AM (IST)
surat-news-chinese-gang-linked-to-crypto-in-myanmar-cyber-slavery-racket-25-wallets-found-597671
HIGHLIGHTS
  • આ રેકેટમાં ફસાયેલા યુવકોને થાઈલેન્ડના રસ્તે મ્યાનમાર લઈ જવામાં આવતા હતા.
  • પાકિસ્તાની એજન્ટ એલેક્સ તેમને મધરાતે નદી પાર કરાવીને આ રસ્તે મોકલતો હતો.

Surat News: મ્યાનમારમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટમાં ક્રિપ્ટોકરન્સીના ઉપયોગનો પર્દાફાશ થયો છે. પોલીસે આ રેકેટના મુખ્ય સૂત્રધાર નીપેન્દર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમની પાસેથી 25 ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા છે. આ વોલેટમાં કરોડો રૂપિયાની ક્રિપ્ટોકરન્સી હોવાની સંભાવના છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ચાઈનીઝ ગેંગ આ રેકેટમાં ભારતીય યુવકોને નોકરીની લાલચ આપીને મ્યાનમાર લઈ જતી હતી. આ ગેંગ કમિશનની રકમ ક્રિપ્ટોકરન્સીમાં નીપેન્દરને ચૂકવતી હતી, જેમાંથી નીપેન્દર તેના સાગરિતો પ્રીત અને આશીષને હિસ્સો આપતો હતો. આ રેકેટમાં નીપેન્દર એકલો જ આઠ જેટલી ચાઈનીઝ કંપનીઓ સાથે કામ કરતો હતો.

આ રેકેટમાં ફસાયેલા યુવકોને થાઈલેન્ડના રસ્તે મ્યાનમાર લઈ જવામાં આવતા હતા. તેમની યાત્રા ખૂબ જ ભયાનક હતી. યુવકોને 10-15 કિલો વજનની બેગ સાથે ડક્કી રૂટથી નદી પાર કરાવીને પહાડી અને જંગલ વિસ્તારમાં 10 કિલોમીટર સુધી ચલાવવામાં આવતા હતા. પાકિસ્તાની એજન્ટ એલેક્સ તેમને મધરાતે નદી પાર કરાવીને આ રસ્તે મોકલતો હતો. મ્યાનમાર પહોંચવામાં એકથી દોઢ દિવસનો સમય લાગતો હતો, જેમાં યુવકોને ભૂખ્યા-તરસ્યા પણ રહેવું પડતું હતું. આ ભયાનક યાત્રા બાદ યુવકોને મ્યાનમારના કે.કે. પાર્ક વિસ્તારની શાન એસ્ટેટમાં આવેલી ચાઈનીઝ કંપનીઓમાં સાયબર સ્લેવરી માટે મજબૂર કરવામાં આવતા હતા. આ કંપનીઓ ઓનલાઈન સાયબર છેતરપિંડીના અલગ-અલગ કૌભાંડો ચલાવતી હતી.

ક્રિપ્ટોનો ઉપયોગ કમિશનની ચૂકવણી માટે

આ રેકેટની તપાસમાં ક્રિપ્ટોકરન્સીનો મુખ્ય રોલ સામે આવ્યો છે. ચાઈનીઝ ગેંગ યુવકોને સપ્લાય કરવા બદલ નીપેન્દરને કમિશનની રકમ બાઈનાન્સ જેવી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કંપનીઓના વોલેટમાં ચૂકવતી હતી. આ વોલેટમાંથી નીપેન્દર તેના સાગરિતોને ક્રિપ્ટોકરન્સી જ ટ્રાન્સફર કરતો હતો. આ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓની નાણાકીય લેવડદેવડને છુપાવવા માટે કરવામાં આવતો હતો. પોલીસ હવે આ 25 વોલેટમાં રહેલી ક્રિપ્ટોકરન્સીની વિગતો મેળવીને સમગ્ર રેકેટના નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે, જે આ આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં વધુ ઊંડાણપૂર્વક પ્રકાશ પાડી શકે છે.