Surat: સશક્ત મહિલા થકી સશક્ત પરિવાર અને સશક્ત સમાજનું નિર્માણ શક્ય બને છે. મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા રાજ્ય સરકાર દ્વારા અમલી મિશન મંગલમ યોજના આજે ગામડાંની બહેનો માટે આશાનું કિરણ બની છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામનું કોમલ સખી મંડળ આવું જ એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે.
વર્ષ 2019માં જ્યોતિબેન રાકેશભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ માત્ર 10 બહેનો સાથે કોમલ સખી મંડળની શરૂઆત થઈ. નાની બચતથી શરૂ થયેલા આ મંડળે આજે હસ્તકલા અને સર્જનાત્મક ઉત્પાદનો દ્વારા બજારમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
બહેનો ટેડીબિયર ઝુલા, પોર્ટ હેંગર, મકરમ ઝુલા, મિરર ડેકોર, વોલ હેંગર જેવી ચીજવસ્તુઓ રેસા અને સુતરની દોરીમાંથી તૈયાર કરે છે. સાથે સાથે લિપ્પન આર્ટની કલાત્મક વસ્તુઓ, પૂજાના આરસા તથા આયુર્વેદિક વસ્તુઓની બનાવટમાં પણ માહેર બની ચૂકી છે.
મિશન મંગલમ યોજના અંતર્ગત કોમલ સખી મંડળને રૂ.30 હજારનું રિવોલ્વિંગ ફંડ તથા રૂ.3 લાખની કેશ ક્રેડિટ સહાય પ્રાપ્ત થતા આ સહાયના આધારે બહેનોએ ઉત્પાદન ક્ષમતા વધારી અને વિવિધ મેળાઓમાં ભાગ લઈ પોતાના ઉત્પાદનોનું વેચાણ શરૂ કર્યું.
આજે મંડળની બહેનો રૂ.50થી રૂ.1500 સુધીની વસ્તુઓનું વેચાણ કરે છે, જેના કારણે દરેક બહેન દર વર્ષે સરેરાશ રૂ.1 લાખ જેટલી આવક પ્રાપ્ત થઈ રહી છે. વડાપ્રધાનના લખપતિ દીદીના બિરૂદને સાર્થક કર્યું છે.
સુરતના અડાજણ વિસ્તારમાં યોજાયેલા ‘ગરવી ગુર્જરી’ મેળામાં વેચાણ માટે આવેલા કોમલ સખી મંડળની બહેન જ્યોતિબેન રાકેશભાઈ રાઠોડે જણાવ્યું કે, ‘અગાઉ અમે ઘરકામ પૂરતા જ સીમિત હતા, પરંતુ સખી મંડળ અને સરકારની સહાયથી આજે અમારી કળા અને મહેનત બજાર સુધી પહોંચી છે. આત્મવિશ્વાસ વધ્યો છે અને પોતાનો ખર્ચ જાતે ઉઠાવવાની ક્ષમતા આવી છે.’
ઉલ્લેખનીય છે કે, કોમલ સખી મંડળે અત્યાર સુધી અનેક સ્થાનિક તથા જિલ્લાકક્ષાના મેળાઓમાં ભાગ લઈ પ્રોત્સાહક વેચાણ કર્યું છે. નાની બચતથી શરૂ થયેલી આ યાત્રાએ આજે બહેનોને આર્થિક સ્વાવલંબન, સામાજિક ઓળખ અને આત્મસન્માનની નવી દિશા આપી છે. આમ, ચલથાણ ગામની કોમલ સખી મંડળની બહેનોએ હસ્તકલા, સર્જનાત્મકતા અને સામૂહિક પ્રયાસોથી સ્વરોજગારીનું પ્રેરક મોડેલ ઊભું કર્યું છે, જે અન્ય ગામોની મહિલાઓ માટે માર્ગદર્શક અને પ્રેરણારૂપ બની રહ્યું છે.
