Surat: ટ્રેનમાંથી કોકેઈન સાથે ઝડપાયેલો કેરિયર બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પણ જઈ આવ્યો, રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે જેલમાં ધકેલ્યો

DRI અને RPF ટીમે સુરત રેલવે સ્ટેશન પર તેજસ રાજધાની એક્સપ્રેસમાંથી 10 કરોડના 2 કિલો કોકેઈન સાથે એક કેરિયરને ઝડપ્યો. આરોપી ફઝલ સૈયદને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, જેણે અગાઉ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની મુલાકાત લીધી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 27 Jun 2026 08:32 PM (IST)Updated: Sat, 27 Jun 2026 08:32 PM (IST)
surat-news-carrier-caught-with-cocaine-from-train-also-went-to-bangladesh-and-afghanistan

Surat: DRI અને RPFની ટીમે સંયુક્ત ઑપરેશન હાથ ધરીને સુરત રેલવે સ્ટેશન પર આવેલી તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી રૂ. 10 કરોડની કિંમતમા 2 કિલો શુદ્ધ કોકેઈન સાથે એક કેરિયરને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછમાં આરોપી બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સહિતના અન્ય દેશોની મુલાકાત લઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.

હકીકતમાં દિલ્હીથી મુંબઈ તરફ જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર પહોંચી, ત્યારે બાતમીના આધારે DRI અને RPFની ટીમે ટ્રેનમાંથી મુંબઈમાં રહેતા ફઝલ અહમદ સૈયદને ઝડપી પાડ્યો હતો. જેની પાસે રહેલી ટ્રોલીની તલાશી લેતા તેમાંથી બે કિલો હાઈ ક્વોલિટીનું કોકેઈન મળી આવ્યું હતુ, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 10 કરોડ જેટલી કિંમત થવા જાય છે.

જે બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરતાં તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, તે જોન નામના નાઈઝીરિયન યુવકના કહેવાથી 25 જૂનના રોજ મુંબઈથી ફ્લાઈટ દ્વારા દિલ્હી આવ્યો હતો. જ્યાંથી ટેક્સી કરીને દિલ્હીના બુરારી પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાંથા અજાણ્યા ઈસમે તેને ડ્રગ્સ ભરેલી ટ્રોલી બેગ આપી હતી, જે નવી મુંબઈ પહોંચાડવા જણાવ્યું હતુ.

આ ડ્રગ્સ ડિલિવરી માટે તેને ટિકિટ ઉપરાંત 25 હજાર રૂપિયા મળવાના હતા. આટલું જ નહીં પોતે અગાઉ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સહિત અન્ય દેશોની પણ મુલાકાત લઈ ચૂક્યો છે. આજે રિમાન્ડ પૂર્ણ થતાં તેને પુનઃ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.