Bharuch: મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રેલર પાછળ ધડાકાભેર ઈકો વાન ઘૂસી ગઈ, સુરતના માતા-પુત્રનું મોત; 6 ઘાયલ

ભરૂચ જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કેલોદ ગામ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઉભા રહેલા ટ્રેલર પાછળ ઈકો વાન ઘૂસી જતાં સુરતના માતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું અને 6 લોકો ઘાયલ થયા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 27 Jun 2026 08:00 PM (IST)Updated: Sat, 27 Jun 2026 08:00 PM (IST)
bharuch-news-mumbai-express-highway-accident-mother-and-son-died-6-injured
HIGHLIGHTS

Bharuch: ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કેલોદ ગામ નજીક ઉભા રહેલા ટ્રેલર પાછળ ઈકો વાન ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં માતા-પુત્રનું સ્થળ પર જ મોત નીપજ્યું છે, જ્યારે 6 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


સુરતનો આંબલિયા પરિવાર દ્વારકા દર્શન કરીને ઘરે આવતો હતો

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરતના આંબલિયા પરિવારના 8 જેટલા સભ્યો ઈકો કારમાં દ્વારકા દર્શન કરવા ગયા હતા. જ્યાં દર્શન પૂર્ણ થતાં પરિવાર સુરત આવવા નીકળ્યો હતો. આજે સવારે 5 વાગ્યાના અરસામાં તેમની ઈકો કાર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરના કેલોદ ગામ નજીક પહોંચી, ત્યારે આગળ ઉભા રહેલા ટ્રેલરની પાછળ ધડાકાભેર ભટકાઈ હતી.

આ ટક્કર એટલી ભયાનક હતી કે, કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બીજી તરફ અકસ્માતની જાણ થતાં હાઈવે પેટ્રોલિંગ ટીમ અને 108 એમ્બ્યુલન્સનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.

આ અકસ્માતમાં ગીતાબેન આંબલિયા અને તેમના પુત્ર ચિંતન આંબલિયા (12)નું સ્થળ પર જ મોત નીપજ્યું હતુ. જ્યારે સૃષ્ટિ આંબલિયા, મનોજ આંબલિયા અને સોનલ ઘોઘારી સહિત 6 લોકો ઘાયલ થયા હતા. જે પૈકી બેની હાલત ગંભીર જણાતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ તો ભરૂચ તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.