Surat: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અંભેટા ગામે કાર પાણી ભરેલા કાંસમાં ખાબકી હતી. આ ઘટનામાં કારમાં સવાર બે યુવકોના મોત નીપજ્યા છે. મૃતક બંને યુવકો સુરતના હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અંભેટા ગામ પાસેથી કાર લઈને બે યુવકો પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પાણી ભરેલા કાંસમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર બે યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. આ બનાવની જાણ થતા ઓલપાડ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ હિતેશભાઈ ભીમજીભાઈ બોરિયા અને અતુલભાઈ બાબુભાઈ કળસરિયા તરીકે થઈ છે. તેઓ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા હોવાનું અને ફાર્મ હાઉસ ભાડે આપવાનો વ્યવસાય કરતા હોવાની માહિતી મળી છે. હાલ તો યુવકોના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
ભેસ્તાનમાં યુવકની ઘાતકી હત્યા
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં 45 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકના શરીરે ઈજાના નિશાન મળી આવ્યા છે. જ્યારે મૃતક યુવકની ઓળખ અમર ઉર્ફે તુફાન વિજય રાઉત તરીકે થઈ છે. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી આરોપીને પકડવામાં ચક્રોગતિમાન કર્યા છે.
