Surat: સુરતમાં હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવીને તેની પાસેથી 42.50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જો કે ક્રાઈમ બ્રાન્ચની ટીમે છટકું ગોઠવીને બિલ્ડર પાસેથી 20 લાખ રૂપિયા લેવા આવેલ મહિલા અને વકીલને ઝડપી પાડ્યા હતા, જ્યારે બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યાં છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હેતલ ચૌહાણ નામની યુવતીએ ફરિયાદી બિલ્ડર સાથે મિત્રતા કેળવી હતી. આ દરમિયાન વૉટ્સએપમાં વીડિયો કોલ કરીને બિલ્ડરનો ન્યૂડ વીડિયો ઉતારી લીધો હતો.
હેતલે પોતાના અન્ય સાગરિતો સાથે આ ન્યૂડ વીડિયો વાયરલ કરીને સમાજમાં બદનામ કરી નાંખવાની તેમજ બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને બિલ્ડર પાસેથી 50 લાખ રૂપિયા માંગ્યા હતા. જો કે બિલ્ડર પાસે આટલા રૂપિયા ના હોવાથી આખરે 42.50 રૂપિયા ચૂકવવા અંગે ડિલ થઈ હતી. જે પૈકી 20 લાખ રૂપિયા સુરતના વી.આર મોલ ખાતે આપી જવા જણાવ્યું હતુ.
જો કે બિલ્ડરે હની ટ્રેપ બાબતે પોલીસ ફરિયાદ કરતાં પોલીસની ટીમ હરકતમાં આવી હતી. આથી પોલીસે વી.આર. મોલમાં છટકું ગોઠવ્યું હતુ. જ્યાં મોલના ફૂડ ઝોનમાં બિલ્ડર પાસેથી પૈસા ઉઘરાવતી મહિલા અને તેના સાગરિત એવા વકીલને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુવતીની ઓળખ હેતલ બારૈયા તરીકે થઈ છે, જ્યારે તેનો સાગરિત અભિષેક શેઠીયા વ્યવસાયે વકીલ હોવાનું ધ્યાને આવ્યું છે. આ સમગ્ર મામલે ઉમરા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં, આરોપી હેતલબેન બારૈયાના ડિવોર્સ થયા હોવાથી એકલા રહેતા હતા. તેનો પરિચય ફરીયાદી સાથે થતા તેઓ સાથે અવાર નવાર મળવાનું થતુ હતુ. ફરીયાદીની આર્થિક પરિસ્થિતી ખુબજ સારી હોય ભવિષ્યમાં તેની પાસેથી સારા એવા રૂપિયા મળી રહેશે તે આશયથી આરોપી યુવતીએ ફરિયાદી સાથે વોટસએપ ઉપર અવાર નવાર વીડિયો કોલમાં વાતચીત કરતા અને ફરીયાદીનો વિશ્વાસ જીતી બંનેએ રાજીખુશીથી એકબીજા સાથે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ એકાંત સમય પણ વીતીવ્યો હતો.
આ દરમયાન ફરીયાદીની જાણ બહાર આરોપી હેતલે વીડિયો ઉતારી લીધો હતો અને ઘણી વખત વોટસએપમાં વીડિયોકોલ દરમ્યાન ફરીયાદીના ન્યુડ વીડિયો પણ પોતાના મોબાઈલમાં સેવ રાખ્યા હતા
આ રેકોર્ડિંગનો મુખ્ય હેતુ ભવિષ્યમાં ખંડણી માટે ઉપયોગ કરવાનો હતો. જે બાદ હેતલે આ ષડયંત્રમાં અશોકભાઈ નામના સાગરીતને સામેલ કર્યો. જેણે તેણીની મુલાકાત સુરેશ જૈન ઉર્ફે જયેશ પ્રજાપતિ નામના ઇસમ સાથે કરાવી હતી. જે બાદ તમામ આરોપીઓએ ભેગા મળી કાયદાકીય ધમકીઓ આપવા અને સમગ્ર પ્રક્રિયાને ગંભીર સ્વરૂપ આપવા માટે આરોપી અભિષેક શેઠીયા કે જે વકીલાતનો વ્યવસાય કરે છે તેને પણ સામેલ કર્યો હતો.
આ તમામ આરોપીઓએ એકબીજાની મદદથી ફરીયાદીને ધમકાવવાનું શરૂ કર્યું, તેમજ તેઓએ શરૂઆતમાં 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને આ રકમ ન ચૂકવાય તો ન્યૂડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને બળાત્કાર અને એટ્રોસિટી જેવા ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપવાનું ચાલુ કર્યું હતું. આથી ફરીયાદી તથા આરોપીઓ વચ્ચે ખંડણીની રકમ રૂપિયા 42.50 લાખ આપવાનું નક્કી થયું હતું જે પૈકી 20 લાખ તાત્કાલિક ચૂકવવા માટે દબાણ કરવામાં આવતા ફરીયાદીએ આરોપીઓને ખંડણી પેટે રૂપિયા 20 લાખ આપવાની હા પાડેલી અને ફરીયાદીએ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્રેપ ગોઠવી આરોપીઓને રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
આ બનાવમાં પોલીસે હેતલબેન બારૈયા [ઉ.28] અને વકીલ અભિષેક સંજય શેઠિયા [ઉ.૩1] ની ધરપકડ કરી છે જયારે સુરેશ જૈન ઉર્ફે જયેશ પ્રજાપતિ અને અશોકભાઈને વોન્ટેડ જાહેર કર્યા છે.
