Surat: સુરત બાદ સૌરાષ્ટ્રના રાજકોટમાં હેલ્મેટ ફરજિયાતના કાયદાની કડક અમલવારી શરૂ કરવામાં આવી રહી છે. જેને લઈને રાજકોટના લોકો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. એવામાં સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારને આ કાયદા અંગે પુનર્વિચાર કરવા સૂચન કર્યું છે.
કુમાર કાનાણીએ જણાવ્યું કે, હેલ્મેટ ફરજિયાત પહેરવા માટેના કાયદાથી લોકોને અનેક પ્રકારની તકલીફ પડી રહી છે. આથી લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ગુજરાતમાં તમામ શહેરોની અંદર હેલ્મેટના કાયદા માટેનો પુનર્વિચાર કરવો જોઈએ અને લોકોને તકલીફ ના પડે, તે પ્રકારનો નિર્ણય કરવો જોઈએ.
રાજકોટમાં લાગુ થયાના ઘણાં સમય પહેલા સુરતમાં પણ હેલ્મેટ ફરજિયાતનો નિર્ણય લેવાયો છે. રાજકોટમાં હેલ્મેટના કાયદાને લઈને વિરોધના સુર ઉઠતાં ત્યાંના ધારાસભ્યોએ ગૃહમંત્રીને રજૂઆત કરી છે.
આ રજૂઆત બાદ રાજકોટમાં પોલીસ વિભાગે પણ વિચારવાનું શરૂ કર્યું છે. હાલ કાર્યવાહી રોકવામાં આવી હોય તેમ મને લાગી રહ્યું છે. જો કે આ પ્રશ્ન સુરત શહેર સહિત ગુજરાતના તમામ મહાનગરોનો છે. હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે જે કાયદો છે, તેમાં લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. આથી તેનો વિરોધ થઈ રહ્યો છે.
મારી ગૃહ વિભાગને વિનંતી છે કે, રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ત્યાંના ધારાસભ્યો દ્વારા જે રીતે રજૂઆતો કરી, એ પ્રમાણે ગુજરાતની અંદર બધા જ શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર ફરી વાર કરવો જોઈએ. લોકોને પડતી મુશ્કલીઓ અને તકલીફો ધ્યાનમાં રાખીને એને સાંભળીને લોકોને મુશ્કેલીઓ અને તકલીફ ન થાય એ રીતનો નિર્ણય લેવો જોઈએ એવું મારું માનવું છે.
