Surat News: સુરતના લાલગેટ સ્થિત શાહપોર વિસ્તારમાં મોપેડ પર પસાર થઇ રહેલા એક યુવક પર જર્જરિત મકાનના પતરૂ અને નળિયા સહિતનો છજાનો ભાગ પડતાં તેને ગંભીર ઈજા પહોંચી છે. હાલ તો સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બિપોરજોય વાવાઝોડાની અસરના પગલે સુરતમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે શહેરમાં અનેક ઠેકાણે વૃક્ષો અને વીજ પોલ તૂટી પડવાના બનાવો સામે આવી રહ્યાં છે. એવામાં શહેરના લાલગેટ સ્થિત શાહપોર વિસ્તારમાં એક યુવક મોપેડ પર જઈ રહ્યો હતો. આ દરમિયાન નજીકમાં આવેલા જર્જરિત મકાનના પતરા અને નળિયા સહિતનો છજાનો ભાગ મોપેડ પર જઈ રહેલા યુવક પર પડ્યો હતો. જેના કારણે યુવક ત્યાં જ ઢળી પડ્યો હતો.
આ ઘટનાને પગલે સ્થાનિકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું. જે બાદ 108ની મદદથી યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં મનપા અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને બેરિકેડ લગાવીને રસ્તાને બંધ કરી દીધો હતો.
