Surat: ઉત્તરાયણનો પર્વ જેમ-જેમ નજીક આવી રહ્યો છે, તેમ-તેમ પતંકના કાતિલ માંજાના કારણે અકસ્માતના બનાવોમાં પણ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આજથી દસેક દિવસ પહેલા મજૂરાગેટ બ્રિજ પર પતંગના દોરાથી એક યુવકનું ગળું કપાયું હતો, ત્યારે આજે આવો જ વધુ એક બનાવ શહેરના ઉધના વિસ્તારમાંથી સામે આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા તારાદેવી સંજય યાદવ (40) પોતાના પૌત્ર પિયુષ (4) સાથે આંખના ડોક્ટરને બતાવવા માટે વલસાડ ગયા હતા. જ્યાં ડોક્ટરને બતાવીને તેઓ ટ્રેનમાં ઉધના સ્ટેશને ઉતર્યા હતા. ઉધના સ્ટેશન પર તારાદેવીનો પુત્ર પ્રવિણ યાદવ તેમને લેવા આવ્યો હતો.
પ્રવિણ પોતાના બાઈક પર માતા અને પુત્રને બેસાડીને ઉધનાથી લિંબાયત તરફ જતા ફ્લાય ઓવર બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક પતંગની દોરી આવી ગઈ હતી. પતંગની દોરી વાગતા પ્રવિણનો ગાલ ચિરાઈ ગયો હતો અને તેણે બાઈક પરથી સંતુલન ગુમાવી દીધુ હતુ. જેથી બાઈક પર સવાર ત્રણેય નીચે પટકાયા હતા. જેમાં પ્રવિણ અને તેની માતા તારાદેવીને ગંભીર ઈજા પહોંચી હતી.
બીજી તરફ આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બીજી તરફ 108ની મદદથી માતા અને પુત્રને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદ્દભાગ્યે આ બનાવમાં 4 વર્ષના માસૂમ પ્રિન્સનો આબાદ બચાવ થયો છે. હાલ તો માતા-પુત્રની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
