Bardoli Bus Accident: બારડોલી તાલુકાના ઉવા ગામની સીમમાં ગઈકાલે 2 જૂનના રોજ નેશનલ હાઈવે 53 પર સર્જાયેલી ભયાનક બસ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ કાળજું કંપાવી દેનારા અકસ્માતમાં કરૂણ મોતને ભેટેલા કુલ સાત વ્યક્તિઓ પૈકી અત્યાર સુધી માત્ર એક જ મૃતકની ઓળખ કરવામાં તંત્રને સફળતા મળી છે.
મૃતદેહ મળતાં પરિવારજનોનું આક્રંદ
ઓળખાયેલો મૃતદેહ આ અકસ્માતગ્રસ્ત બસના ચાલક ઘનશ્યામ રાધો બરકલેનો છે, જેઓ મૂળ મહારાષ્ટ્રના જલગાંવ વિસ્તારના રહેવાસી હતા. સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ડ્રાઈવરનો મૃતદેહ તેમના આક્રંદ કરતા પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.
જો કે અકસ્માત એટલો ભયાનક હતો કે, બાકીના અન્ય છ મૃતકો બળીને ભડથું થઈ જતાં તેમની ઓળખ કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. આથી વહીવટી તંત્ર દ્વારા DNA મેચિંગની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે.
મૃતકના સ્વજન પ્રભાકર ભાંબરેએ જણાવ્યું કે, મહારાષ્ટ્રથી રાતના 9 વાગ્યે નીકળીને બારડોલી હોસ્પિટલ 1 વાગ્યે આવ્યા હતા. અહિયાં આવીને જોયું તો એક મૃતદેહ જતો હતો, કદાચ તે ડ્રાઈવરનો મૃતદેહ હતો, તેની ખુબ જ ખરાબ હાલત હતી. અમારા સ્વજનોના મૃતદેહ હજુ સુધી જોવા પણ મળ્યા નથી. સવારના 12 વાગી ગયા છે, મારા સાળી અને સાઢુભાઈ છે. અમને કહે છે, આ હોસ્પિટલ જાવ, ક્યારેક કહે છે કે બીજી હોસ્પિટલ જાવ, અમને યોગ્ય જવાબ મળતો નથી.
