સુરતની ટ્રાફિક પોલીસ ચોકીમાં બાળકીની કિલકારી ગુંજી, રેલવે તબીબ-TRB જવાનો બન્યા દેવદૂત

મહિલાની પરિસ્થિતિ જોઈને ટીઆરબી જવાન પ્રવીણભાઈ ખતવાસને ખ્યાલ આવી ગયો હતો કે હોસ્પિટલ પહોચવાનો સમય નથી જેથી તેઓ તાત્કાલિક રેલ્વે હોસ્પિટલના મેડીકલ ઓફિસેને બોલાવવા દોટ મૂકી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 27 Sep 2026 02:44 PM (IST)Updated: Sun, 27 Sep 2026 02:44 PM (IST)
surat-news-baby-girl-born-at-traffic-police-booth-near-railway-station

Surat News: સુરતમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં નવજાત બાળકની કિલકારી ગુંજી ઉઠી હતી. એક સગર્ભા મહિલા સ્ટેશન પાસે પહોચતા તેને પ્રસુતિની પીડા ઉપડી હતી અને તે ઢળી પડી હતી. ટીઆરબી જવાનોએ રેલ્વે રેલવે હોસ્પિટલના મેડિકલ ઓફિસરને બોલાવી હતી અને પોલીસ ચોકીમાં જ મહિલાની સફળ ડીલેવરી કરાવી હતી.

મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના જાંબુવાના વતની અને હાલમાં સુરતના ઉધના વિસ્તારમાં રહેતી એક પરિણીતા તેના પતિ અને નાની દીકરી સાથે વતન જવા નીકળી હતી. મહિલા સર્ગભા હતી અને તે સુરત રેલ્વે સ્ટેશન પહોચી ત્યારે તેને પ્રસુતિની પીડા ઉપડી હતી અને તે ત્યાં ઢળી પડી હતી. મહિલાના પતિએ ત્યાં હાજર ટીઆરબી જવાનને 108ને બોલાવવા કહ્યું હતું. દરમ્યાન મહિલાની પરિસ્થિતિ જોઈને ટીઆરબી જવાન પ્રવીણભાઈ ખતવાસને ખ્યાલ આવી ગયો હતો કે હોસ્પિટલ પહોચવાનો સમય નથી જેથી તેઓ તાત્કાલિક રેલ્વે હોસ્પિટલના મેડીકલ ઓફિસેને બોલાવવા દોટ મૂકી હતી.

અન્ય જવાનો મહિલાને તાત્કાલિક પોલીસ ચોકીની અંદર લઇ ગયા હતા. અન્ય ટીઆરબી જવાનો નજીકની હોસ્પિટલમાંથી ચાદરો લાવીને ચોકીમાં આડાશ કરી હતી. જે બાદ રેલવેના મેડીકલ ઓફિસર ડો. કૌશિક પટેલ તાત્કાલિક ત્યાં પહોચ્યા હતા અને મહિલાની સફળ ડીલેવરી કરાવી હતી. મહિલાએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. ટ્રાફિક પોલીસ ચોકીમાં બાળકીની કિલકારી ગુંજી ઉઠતા ટીઆરબી જવાનોમાં હર્ષની લાગણી પ્રસરી ગઇ હતી. બીજી તરફ ડીલેવરી થયા બાદ 108ની ટીમ દ્વારા મહીલા અને દીકરીને વધુ સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. ટ્રાફિક પોલીસની આ કામગીરીની અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.