Surat: માયાભાઈ આહિરની ટેક્સપેયર્સ પરની ટિપ્પણીથી રાજકારણ ગરમાયું, AAP નેતાનો પ્રશ્ન- 'તમને ગરીબોનું અપમાન કરવાનો હક કોણે આપ્યો?'

સુરતમાં એક કાર્યક્રમ દરમિયાન લોકસાહિત્યકાર માયાભાઈ આહીરે ટેક્સપેયર્સ પર કરેલી ટિપ્પણીથી રાજકીય વિવાદ સર્જાયો છે. આમ આદમી પાર્ટીએ આ ટિપ્પણીની આકરી નિંદા કરી છે અને ગરીબોનું અપમાન કરવાનો અધિકાર કોણે આપ્યો તેવો સવાલ ઉઠાવ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 05 Jul 2026 05:26 PM (IST)Updated: Sun, 05 Jul 2026 05:28 PM (IST)
surat-news-aap-leader-slams-mayabhai-ahir-over-propolice-remarks

Surat: તાજેતરમાં જ PI તરીકે બઢતી મેળવીને નિવૃત થનારા જયરાજસિંહ ગઢવીના વિદાય સમારોહ નિમિત્તે સુરતમાં એક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરે મંચ પરથી કરેલી એક ટિપ્પણીને પગલે રાજકીય વિવાદ ઉભો થયો છે. માયાભાઈ આહીરે ટેક્સ પેયર્સ પર કરેલી ટિપ્પણી પર આમ આદમી પાર્ટીએ પલટવાર કર્યો છે.

તમે અમારો પગાર ખાઓ છો, કહેનારા રેશનિંગના ઘઉં ખાતા હોય

હકીકતમાં જ્યાં-ત્યાં પોલીસ પોલીસના વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર મૂકતા યુવાનો પર કટાક્ષ કરતાં માયાભાઈ આહીરે જણાવ્યું હતું કે, હવે તો વાત જ કરવા જેવી નથી. કેટલાક લોકો સરકારી કચેરીઓ અને પોલીસ સામે મોબાઈલ કાઢીને વીડિયો ઉતારીને કહેશે, અમારા ટેક્સના પૈસે તમને પગાર મળે છે. એના બાપુજી જ કેમ ટેક્સ ભરતા હોય. આવું કહેનારા લોકો પાછા રેશનિંગના ઘઉં ખાતા હોય છે.

માયાભાઈની આ ટિપ્પણી પર ડાયરામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતુ. ખાસ વાત એ છે કે, આ ડાયરમાં મંચ પર માયાભાઈની સાથે-સાથે લોકગાયિકા અને ભાજપ ધારાસભ્ય મૈથિલી ઠાકુર અને લોકગાયક કીર્તિદાન ગઢવી ઉપરાંત શ્રોતાઓમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.

ટેક્સના નામે લોકોનું અપમાન કરવો અધિકાર કોણે આપ્યો?

માયાભાઈ આહીરની ટિપ્પણી પર પલટવાર કરતાં આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘણે પૂછ્યું કે, માયાભાઈ તમને કદાચ ખબર નહીં હોય કે દેશનો ભિખારી કે ગરીબ વ્યક્તિ એમના બાળકને દૂધ પીવડાવે કે પારલે-જીનું બિસ્કિટ ખવડાવે છે, તેમા પણ ટેક્સ કરે છે. આથી તમે ટેક્સના નામે લોકોનું અપમાન કઈ રીતે કરી શકો? આ વાત તદ્દન ખોટી છે.

દરેક પોલીસ ખરાબ નથી હોતી. આજે દેશમાં તેમજ રાજ્યમાં અનેક મુદ્દા છે, તેના પર કેમ નથી બોલી શકતા. તમે ગુજરાતના ખેડૂતોનો અવાજ કેમ નથી ઉપાડતા, દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં ઠેર-ઠેર દારૂના અડ્ડા ધમધમે છે, ત્યાં તમારા મોંઢા કેમ સિવાઈ જાય છે?