મોંઘવારી મુદ્દે આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદન, સુરતમાં વિવિધ બેનરો અને સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો

આવેદન પત્રમાં આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી સામાન્ય જનતાને તાત્કાલિક રાહત આપવામાં આવે, આ ઉપરાંત ઘરેલું રાંધણ ગેસના સીલીન્ડરના ભાવ ઘટાડવામાં આવે જેથી મહિલાઓ પરનો આર્થિક બોજ હળવો થાય.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 20 Nov 2026 12:57 PM (IST)Updated: Fri, 20 Nov 2026 12:57 PM (IST)
surat-news-aam-aadmi-party-holds-protest-and-raises-inflation-issue

Surat News: સુરતમાં મોંઘવારી મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર હસ્તક મુખ્યમંત્રીને આવેદન પત્ર આપ્યું છે. કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્બારા વિવિધ બેનરો અને સુત્રોચાર સાથે વિરોધ નોંધાવી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટીએ ભાવ ઘટાડાની કરી માગ

આવેદન પત્રમાં આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી સામાન્ય જનતાને તાત્કાલિક રાહત આપવામાં આવે, આ ઉપરાંત ઘરેલું રાંધણ ગેસના સીલીન્ડરના ભાવ ઘટાડવામાં આવે જેથી મહિલાઓ પરનો આર્થિક બોજ હળવો થાય તેમજ દૂધ, ખાદ્યતેલ, અનાજ કઠોળ, શાકભાજી જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ પર અસરકારક નિયંત્રણ લાવવામાં આવે

વધુમાં આવેદન પત્રમાં માંગ કરવામાં આવી છે કે બજારમાં થતી સંગ્રહખોરી, કાળા બજારી અને કુત્રિમ ભાવ વધારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ નીયંત્રણ માટે સરકાર દ્વારા નક્કર અને સમયબદ્ધ આયોજન કરવામાં આવે.

મોંઘવારી મુદ્દે આવેદન પત્ર પાઠવ્યું

આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે આજે આખા ગુજરાત ભરની અંદર આમ આદમી પાર્ટી આવેદન પત્ર આપી રહી છે, દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે અને આ અસહ્ય મોંઘવારીનો માર સામાન્ય જનતા પર પડી રહ્યો છે, સામાન્ય વ્યક્તિઓએ ઘર ચલાવવા માટે ખુબ સંઘર્ષ કરવો પડી રહ્યો છે અને તેમના બજેટ ખોરવાઈ રહ્યા છે, આવકમાં વધારો નથી થયો એના કરતા 50 ગણી મોંઘવારીમાં વધારો થયો છે, સામાન્ય રીતે દૂધ, દહીં, છાશ, પેટ્રોલ-ડીઝલ તેમજ કઠોળ સહીત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં દિવસે ને દિવસે ભાવ વધારો થઇ રહ્યો છે.

આગામી દિવસોમાં આપ દ્વારા આંદોલન કરાશે

વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય લોકોની આજે જે પરિસ્થિતિ છે અને સંઘર્ષ છે તેમનો અવાજ વધારે મજબુત કરવા માટે આજે આમ આદમી પાર્ટી આવેદન પત્ર આપી રહી છે. અમારી માગણી છેકે તાત્કાલિક આ મોંઘવારી પર નિયંત્રણ લાવો, દૂધ, દહીં, છાશમાં જે ભાવ વધારો થયો છે તેમાં ઘટાડો કરવામાં આવે નહીતર આવનારા સમયમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની જનતાને સાથે રાખીને આંદોલન કરશે.