Gandhinagar News: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે ગાંધીનગરમાં ‘આદિવાસી ન્યાય મહાસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થયા હતા અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન અને વર્ષાબેન વસાવાએ મહાસંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, આપણે આ જેલનો બદલો 2027ની ચૂંટણીમાં લેવાનો છે. આપણા સમાજે જળ, જંગલ અને જમીન બચાવવા એકતા બતાવવી પડશે.
ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન વસાવાએ સભામાં ઉપસ્થિત હજારો લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં રાખવામાં આવ્યા છે, ત્યારે આદિવાસી સમાજમાં ખૂબ દુઃખ અને ભારે આક્રોશ છે કારણ કે આદિવાસી સમાજ હવે જાગી ગયો છે. ધારાસભ્ય હંમેશાં એસટી, ઓબીસી, માઈનોરિટી અને દરેક સમાજના હક-અધિકારો માટે લડતા આવ્યા છે; આજે શિક્ષણ બાબતે, શિક્ષકોની ભરતી માટે, વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટે, અનુસૂચિ-૫ માટે, પેસા (PESA) એક્ટ માટે અને જંગલ-જમીનના અધિકારો માટે જ્યારે ચૈતર વસાવા અવાજ ઉઠાવે છે, ત્યારે તેમને વારંવાર જેલ ભેગા કરવામાં આવે છે.
આ પણ વાંચો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે આ જેલનો બદલો 2027ની ચૂંટણીમાં વોટ આપીને લેવાનો છે, કારણ કે ચૈતર વસાવાએ પોતાના પરિવારની ક્યારેય ચિંતા કર્યા વગર સમાજ માટે જેલ પસંદ કરી છે પણ ભાજપમાં જવાનું પસંદ કર્યું નથી. ગુજરાતમાં માત્ર આપણા ચૈતર વસાવા જ એવા ધારાસભ્ય છે જે વિધાનસભામાં ચૂંટાયા પછી આદિવાસી સમાજના હક અને અધિકારો માટે લડતા આવ્યા છે અને અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે, ત્યારે આપણે પણ એક થવું પડશે અને આપણા સમાજ માટે જાગવું પડશે.
ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવાએ સભામાં ઉપસ્થિત હજારો લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આપણા હક માટે લડતા નેતા આજે સ્ટેજ પર આપણી વચ્ચે નથી તેનું દુઃખ છે, પરંતુ ખોટી રીતે જેલની યાતનાઓ વેઠતી વખતે પણ ચૈતરભાઈએ પોતાની હિંમત અને મનોબળ મજબૂત રાખ્યું છે. ઉમરગામથી નીકળ્યા ત્યારથી માતાઓ અને વડીલોએ જે આશીર્વાદ અને સાથ-સહકાર આપ્યો છે, તેણે અમારું મનોબળ વધાર્યું છે. ઘરના મોભી વગર પરિવાર અને બાળકો પર કેવી વીતે છે તે અમે નજીકથી અનુભવીએ છીએ, પરંતુ આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટીના સમર્થનથી આપણને મોટી તાકાત મળી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 1 કરોડ 25 લાખની વસ્તી ધરાવતા આપણા સમાજે જળ, જંગલ અને જમીન બચાવવા એકતા બતાવવી પડશે. ગામડે-ગામડે લોકોએ કહ્યું કે તમારા સિવાય અમારા ખબર પૂછવા કોઈ નથી આવ્યું, અને ચૈતરભાઈ જેલમાં ગયા ત્યારથી કેટલાક યુવાનોએ અન્નનો ત્યાગ કર્યો છે—લોકોનો આ અપાર પ્રેમ જોઈને અમને પૂરો વિશ્વાસ છે કે સમાજ આપણી સાથે છે. આગામી 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની 121મી જન્મજયંતી આપણે ડેડિયાપાડા ખાતે સૌ ભેગા મળીને ભવ્ય રીતે ઉજવીશું.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજીએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ચૈતર વસાવાએ લોકોનો અવાજ ઉઠાવ્યો, મનરેગાના કૌભાંડનો અવાજ ઉઠાવ્યો, એટલા માટે ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા. ઝઘડિયામાં ફેક્ટરીના મજૂરો માટે ચૈતર વસાવાએ અવાજ ઉઠાવ્યો, સમગ્ર ગુજરાતના આદિવાસી લોકો માટે અવાજ ઉઠાવ્યો. અગાઉ પણ જ્યારે ચૈતર વસાવાને જેલમાં નાખ્યા હતા ત્યારે વિધાનસભા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જનતાએ ચૈતર વસાવાને મોટી જીત અપાવી હતી અને આ વખત પણ જ્યારે ચૈતર વસાવાને જેલમાં નાખ્યા છે તો એનો જવાબ જનતા 2027માં જવાબ આપશે.
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી તમારી સહીમાં શક્તિ છે ત્યાં સુધી સારી રીતે સહી કરો નહીંતર જનતા જો સાવરણાનું બટન દબાવી દેશે તો તમારી પેનમાં કે તમારામાં કોઈ તાકાત વધશે નહીં. મને અને ચૈતરભાઈને અમારી વિધાનસભાના લોકોએ જનતાની લડાઈ લડવાનું લાઇસન્સ આપ્યું. અમે એમનું લાયસન્સ ન લીધું એટલે ચૈતરભાઈને જેલમાં પૂર્યા અને હવે એ લોકો કહી રહ્યા છે કે હવે ગોપાલનો વારો છે. હું એમને એટલું જ કહીશ કે “આવી જાઓ” અમને જેલથી ડર નથી લાગતો. પરંતુ જો જનતા 2027 માં સાવરણો દબાવી દેશે અને અમારી સરકાર આવી જશે તો તમે ક્યાં છૂપાશો એ જગ્યા અત્યારથી નક્કી કરી દેજો.
આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા, પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ, યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, મહિલા મોરચા પ્રમુખ પાયલ સાકરીયા, ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુન્તલાબેન અને વર્ષાબેન વસાવા, પ્રદેશ ઉપપ્રમુખો યુવરાજસિંહ, કાયનાત અંસારી આથા, રાજુ વલવાઈ, પ્રદેશ સંગઠન મંત્રીઓ નિરંજન વસાવા, બાબુભાઈ ડામોર, કમલેશ પટેલ, નિકુંજ સાવલિયા, મહેશ અણઘણ, વિક્રમ દવે, રાજુ બોરખતરીયા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા, રાકેશ બારિયા, મુકેશ ડાભી, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
