ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીનું 'આદિવાસી ન્યાય સંમેલન', ચૈતર વસાવાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન થશે

4 નવેમ્બર, બુધવારના રોજ બપોરે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીનું આદિવાસી ન્યાય સંમેલન યોજાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 03 Nov 2026 05:59 PM (IST)Updated: Tue, 03 Nov 2026 05:59 PM (IST)
gandhinagar-aap-adivasi-nyay-sammelan-4-november-chaitar-vasava-support

Gandhinagar News: ગાંધીનગરમાં આવતીકાલ 4 નવેમ્બર, બુધવારના રોજ બપોરે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 'આદિવાસી ન્યાય સંમેલન' યોજાશે. ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજને સાથે રાખી આમ આદમી પાર્ટી દ્વારા મોટું શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી છે. આ સંમેલન પહેલા AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ આદિવાસી સમાજ સહિત સમગ્ર ગુજરાતના લોકોને મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાવા માટે અપીલ કરી છે.

AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ચૈતર વસાવાની ધરપકડ અને તેમની સામે નોંધાયેલા વિવિધ કેસોને રાજકીય અત્યાચાર ગણાવતાં સરકાર પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આદિવાસી વિસ્તારના પડતર પ્રશ્નો અને જળ, જમીન તથા જંગલના અધિકારો માટે સતત અને મક્કમતાથી અવાજ ઉઠાવનાર ચૈતર વસાવા આદિવાસી સમાજના એક ખૂબ જ મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા છે.

ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ દ્વારા ઉમરગામથી 'આદિવાસી ન્યાય યાત્રા' શરૂ કરવામાં આવી છે, જે સમગ્ર આદિવાસી પટ્ટામાંથી પસાર થઈને અંબાજી પહોંચશે. આ યાત્રા બાદ હવે 4 નવેમ્બરના રોજ ગાંધીનગરમાં વિશાળ સંમેલન યોજીને આદિવાસી સમાજનો અવાજ બુલંદ કરવાનો આમ આદમી પાર્ટીનો પ્રયાસ છે.

આ સંમેલનના માધ્યમથી AAP આદિવાસી સમાજના મૂળભૂત પ્રશ્નો ઉપરાંત ચૈતર વસાવાની કાનૂની લડાઈને પણ રાજકીય મંચ પર ઉઠાવવાની તૈયારી કરી રહી છે. હવે ગાંધીનગરમાં યોજાનાર સંમેલનમાં કેટલી જનમેદની જોડાય છે અને આદિવાસી પટ્ટામાંથી કેવો પ્રતિસાદ સાંપડે છે તેના પર સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોની તીક્ષ્ણ નજર રહેશે.