સુરતમાં વરસાદ જીવલેણ નીવડ્યોઃ માંગરોળમાં કરંટ લાગતા આધેડ, તો બારડોલીમાં વીજ કરંટથી યુવકનું મોત

કામરેજમાં મશીન રીપેરિંગ કરવા ગયેલા મૂળ યુપીનો યુવક ACની એંગલ પકડતા જ ચોંટી ગયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 17 Jun 2025 07:18 PM (IST)Updated: Tue, 17 Jun 2025 07:18 PM (IST)
surat-news-3-dead-during-rain-accident
HIGHLIGHTS
  • રોડ પર કપચી નાંખતી વખતે વીજળી પડતાં આધેડ ઢળી પડ્યા

Surat: સુરત શહેર અને જિલ્લામાં વરસાદ જીવલેણ નીવડ્યો હોય, તેમ અલગ-અલગ બનાવોમાં ત્રણ લોકોના મોત થયા હોવાના બનાવો સામે આવ્યા છે. જેમાં માંગરોળમાં વીજળી ત્રાટકતા આધેડ તેમજ બારડોલી વીજ કરંટથી યુવકે જીવ ગુમાવ્યો છે.

સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના રટોટી ગામ ભાથી ફળીયુ સ્કૂલ પાસે રહેતા રૂમશીભાઈ નાડીયાભાઇ ચૌધરી (52) સીયાલજ ગામની સીમમાં આવેલ બ્લ્યુ સ્ટાર રબર કંપનીની સામે રોડ પર કપચી નાખવાનું કામ કરતા હતા, ત્યારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ સમયે વીજળી પડતા તેઓનું મોત નીપજ્યું હતું.

બીજા બનાવમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઇસરોલી ગામ નિશાળ ફળિયું ખાતે રહેતો સંતોષભાઇ રાજુભાઇ હળપતિ (20) વરસાદની સિઝન શરુ થતી હોય જેથી ઘર ઉપર તાડપત્રી નાખતા હતા. આ સમયે તેના ઘરના પાછળના ભાગે આવેલા વાડામાં લોખંડનું પતરું ખસેડવા જતા અચાનક કરંટ લાગ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું.

જયારે ત્રીજા બનાવમાં મૂળ ઉતર પ્રદેશના વતની દિનેશભાઈ દશરતભાઈ પ્રજાપતિ (25) મશીન રીપેરીંગનું કામ કરતા હતા. તેઓ કામરેજના ખોલવડ સ્થિત અમૃત ઉધોગનગરમાં આવેલા ખાતામાં રહેતા હતા, ગત 15 જૂનના રોજ તેઓ ખાતામાં મશીન રીપેરીંગ કામ કરવા માટે ગયા હતા અને મશીનમાં કોઈ ખામી સર્જાતા ખાતામાં મુકેલા એસી મુકવા માટે એગલ લગાડેલું હોય જે એંગલને પકડવા જતા દિનેશભાઈને કરંટ લાગ્યો હતો અને તેઓ એગલ સાથે ચોટી ગયા હતા અને થોડીવાર પછી એગલથી છુટા પડી જતા નીચે પડી ગયા હતા ત્યારબાદ ખાતામાં કામ કરતા લોકો દિનેશભાઈને ખાતામાંથી નીચે ઉતર્યા હતા અને 108ને જાણ કરી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેઓને સારવાર અર્થે દીનબંધુ હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેઓને તપાસીને મૃત જાહેર કર્યા હતા.