સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સોઃ પિતાએ ફ્રી ફાયર ગેમ રમવા અંગે ઠપકો આપતા 3 સંતાનોએ અડધી રાતે ઘર છોડ્યું

પરિવાર સૂઈ રહ્યો હતો, ત્યારે ત્રણ સગીર ભાઈ-બહેન ઘરમાંથી 15 હજાર રૂપિયા લઈને જતા રહ્યા. છેલ્લે સુરત રેલવે સ્ટેશનથી મુંબઈ જતી ટ્રેનમાં ચડતા દેખાયા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 21 May 2026 06:14 PM (IST)Updated: Thu, 21 May 2026 06:14 PM (IST)
surat-news-3-children-left-home-in-mid-night-after-father-scolded-for-playing-free-fire-game
AI Image
HIGHLIGHTS
  • ચિંતિત પિતાએ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
  • બાળકોની શોધખોળ માટે પોલીસની 5 અલગ-અલગ ટીમ કામે લાગી

Surat: ઑનલાઈન ગેમની આદત બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર કરે છે, ત્યારે સંતાનોની બૂરી લતને લઈને ચિંતિત માતા-પિતા માટે સુરતમાંથી એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક પિતાએ ફ્રી ફાયર ગેમ રમવાની ના પાડતા તેમના 3 સગીર સંતાનો કોઈને પણ કહ્યા વિના ઘરેથી ચાલ્યા ગયા છે.

સુરતના ચોક બજાર પોલીસ મથકની હદમાં આવેલા વેડ રોડ વિસ્તારમાં રહેતા એક પરિવારના પાંચ સંતાનો પૈકી 14 અને 11 વર્ષના બે પુત્ર અને 9 વર્ષની દીકરી ગત 19 મેના રોજ મોડી રાતે ઘરેથી કોઈને કશી જાણ કર્યાં વિના જતા રહ્યા હતા. આ મામલે બાળકોના પિતાએ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પરિવાર સૂઈ ગયો, ત્યારે ઘરમાંથી રૂ. 15 હજાર લઈને નીકળી ગયા

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બાળકોના પિતા વતનમાં ગયા ત્યારે પોતાનો મોબાઈલ સુરત સ્થિત ઘરે ભૂલી ગયા હતા. આ દરમિયાન સંતાનોના હાથમાં મોબાઈલ આવી જતાં તેઓ મોબાઈલ પર ફ્રી ફાયર ગેમ રમવા લાગ્યા હતા. જ્યારે પિતા ઘરે પરત ફર્યા ત્યારે બાળકો ભણવામાં ધ્યાન આપવાની જગ્યાએ આખો દિવસ મોબાઈલમાં જ મશગુલ રહેતા હતા.

આથી પિતાએ બાળકોને મોબાઈલમાં ગેમ રમવા બાબતે ઠપકો આપ્યો હતો. આ બાબતનું માઠુ લાગી આવતા ત્રણેય સંતાનો ગત 19 મેની રાતે પરિવાર સૂઈ ગયો, ત્યારે દોઢ થી પાંચ વાગ્યાના અરસામાં ઘરમાં રહેલા 15 હજાર રૂપિયા લઈને નીકળી ગયા હતા.

સવારે ઉઠીને જોતા બાળકોને ના દેખતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. જો કે કોઈ ભાળ ના મળતા આખરે ચોક બજાર પોલીસ પાસે મદદ માંગી હતી. પોલીસની તપાસમાં બાળકો છેલ્લે સુરત રેલવે સ્ટેશનથી મુંબઈ જતી ટ્રેનમાં ચડતા દેખાયા હતા.