Surat: સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી ડાયમંડ હોસ્પિટલમાં ગઈકાલે 18 ઓક્ટોબરના રોજ ધનતેરસના પાવન પર્વે એક જ દિવસમાં 23 ડિલિવરી થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠ્યું હતુ. ધનતેરસે જન્મેલા 23 બાળકો પૈકી 13 દીકરીઓ અને 10 દીકરાનો જન્મ થયો છે.
સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રમુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વીડીયા હોસ્પિટલ (ડાયમંડ હોસ્પિટલ)માં તારીખ 18 ઓક્ટોબર શનિવારે ધનતેરસના દિવસે અનોખી સિદ્ધિ નોંધાઈ છે. જેમાં 24 કલાકમાં 23 ડિલિવરી કરાવવામાં આવી હતી. ધનતેરસના પાવન પર્વે લક્ષ્મીજીનું અવતરણ થયું હોય તેમ 23 નવજાત પૈકી 13 દીકરીઓ અને 10 દીકરાનો જન્મ થયો છે. હાલ તમામ નવજાત શિશુ અને તેમની માતાઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ડાયમંડ હોસ્પિટલના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, અમારી હોસ્પિટલની OPDનો રોજના 950-1000 દર્દીઓ લાભ લઈ રહ્યા છે. જ્યારે મહિને 300-350 ડિલિવરી થાય છે. ડાયમંડ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો ચાર્જ માત્ર રૂ 1800 અને દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આ સિવાય સિઝેરિયન ડિલિવરીનોનો ચાર્જ માત્ર રૂ 5000 છે અને દીકરી જન્મે તો રૂ 3200 સિઝેરિયન ડિલિવરીનો ચાર્જ લેવામાં આવે છે.

આ હોસ્પિટલમાં કોઈ પણ દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 2500 દીકરીઓને ટોટલ 25 કરોડના બોન્ડ આપી દેવામાં આવ્યા છે. આ હોસ્પિટલે ભારત સરકારની યોજના 'બેટી બચાવો - બેટી વધાવો' ને સાર્થક કરવામાં સહભાગી બનીને સમાજને એક નવી રાહ ચીંધી છે.