સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર બીજા માળેથી પટકાતા 2 વર્ષીય બાળકીનું મોત, અઠવાડિયા પહેલા જ પરિવાર રોજગારી અર્થે આવ્યો હતો

માતા પિતા કામ કરી રહ્યા હતા ત્યારે તેમની બે વર્ષની દીકરી બીજા માળેથી નીચે પટકાઈ હતી. દીકરીને ગંભીર ઈજા થતા પરિવારજનો તેને સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 12 Nov 2026 01:30 PM (IST)Updated: Thu, 12 Nov 2026 01:30 PM (IST)
surat-news-2-year-old-girl-dies-after-falling-from-second-floor-at-construction-site

Surat News: સુરતના ગોડાદરા-ડિંડોલી વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર માતા-પિતા મજૂરીકામ કરી રહ્યા હતા ત્યારે તેમની માત્ર બે વર્ષની માસૂમ દીકરી રમતા-રમતા બીજા માળેથી નીચે પટકાઈ હતી. ગંભીર ઇજાઓ થતાં બાળકીને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી.

રોજગારી અર્થે 7 દિવસ પહેલા પરિવાર સુરત આવ્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશના દિવેલ ગામના રહેવાસી રાજુભાઈ પવાર અને તેમની પત્ની રોજગારીની શોધમાં આશરે 7 દિવસ પહેલાં જ સુરત આવ્યા હતા. ગોડાદરા-ડિંડોલી વિસ્તારમાં આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પર બંને પતિ-પત્ની મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન તેમની બે વર્ષની દીકરી રક્ષા પણ સાઇટ પર રમતી હતી. માતા પિતા કામ કરી રહ્યા હતા ત્યારે તેમની બે વર્ષની દીકરી બીજા માળેથી નીચે પટકાઈ હતી. દીકરીને ગંભીર ઈજા થતા પરિવારજનો તેને સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા પરંતુ ફરજ પર હાજર તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી.

દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ

એકની એક વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. રાજુભાઈ પવારના પરિવારમાં પતિ-પત્ની અને તેમની બે વર્ષની એકની એક દીકરી રક્ષા એમ કુલ ત્રણ સભ્યો હતા. રોજગારીની આશા સાથે મધ્યપ્રદેશથી સુરત આવેલા શ્રમિક દંપતીને શહેરમાં આવ્યાના ગણતરીના દિવસોમાં જ પોતાની વ્હાલસોયી દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે.

આ કરુણ ઘટના અંગે બાળકીના પિતા રાજુભાઈએ ભારે હૈયે જણાવ્યું હતું કે, અમે ઉપર કામ કરી રહ્યા હતા અને દીકરી નીચે રમી રહી હતી તે દરમ્યાન દીકરી ન દેખાતા જોવા ગયા હતા, તે 2 વર્ષની હતી અને અમે 7 દિવસ પહેલા જ સુરત આવ્યા હતા. અમે પરિવારમાં 3 જ સભ્યો હતા હું, મારી પત્ની અને મારી દીકરી, દીકરી બીજા માળેથી નીચે પડી ગઇ હતી.