Surat News: સુરત શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં કથિત દારૂના નશામાં પૂરઝડપે કાર ચલાવવાની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, એક કારચાલકે રસ્તા પર ઊભેલાં 10થી વધુ વાહનોને ટક્કર મારતાં અનેક વાહનોને નુકસાન થયું હતું. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે, સદનસીબે કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી.
પ્રાથમિક અહેવાલો અનુસાર, પાલનપુર પાટિયા વિસ્તારમાં એક સ્કોર્પિયો કાર ચાલકે બેફામ કાર હંકારીને રસ્તા પર પાર્ક રહેલા વાહનોને અડફેટે લીધા હતા. ઘટનાને પગલે ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. ત્યાં હાજર લોકોએ કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે કાર ચાલક નશામાં હોવાની વાત છે. કારચાલકની ઓળખ યશ રાઠોડ તરીકે થઈ છે. તે ઓલપાડ તાલુકા પંચાયતની ન્યાય સમિતિનાં અધ્યક્ષ નીરિક્ષા અતુલ રાઠોડનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
વધુમાં મળતી માહિતી મુજબ, યશ રાઠોડ ઓલપાડમાં કરિયાણાની દુકાન ચલાવે છે અને મિત્રને મળવા માટે સુરત આવ્યો હતો. મિત્રના ઘરે દારૂ પીધા બાદ બંને કાર લઈને બહાર નીકળ્યા હતા. ત્યારબાદ પાલનપુર પાટિયા વિસ્તારમાં કારની ટક્કરથી રસ્તા પર ઊભેલાં અનેક વાહનોને નુકસાન થયું હતું. અકસમાત બાદ સ્થાનિક રહીશોએ તેને પકડીને પોલીસને સોંપ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં લોકો એકત્ર થયા હતા અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી. હાલ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
